હિંમતનગર: સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાનાં ૧૬૭ ગામ તથા નગરપાલિકા વિસ્તારમાં પીવાનું શુદ્ધ પાણી પહોંચાડવા રૂ.૧૪.૫૬ કરોડનો ખર્ચ કરવા માટેનો એકશન પ્લાન જિલ્લા પાણી પુરવઠા વિભાગે તૈયાર કર્યો છે. વડાલી તાલુકાના મહોર નજીક ૧૩ એમ.એલ.ડી.ની ક્ષમતા ધરાવતો અદ્યતન ફિલ્ટર પ્લાન્ટ બનાવી ૧૬ કિ.મી. લાંબી નવી પાઇપલાઇન દ્વારા શુદ્ધ પાણી પહોંચાડાશે.
વિભાગના અધિકારીના જણાવ્યા મુજબ જિલ્લાના પોશીના, વિજયનગર, ખેડબ્રહ્મા વિસ્તારમાં ૬૮૬૨ હેન્ડપંપો કાર્યરત કરી ઉનાળામાં પણ પીવાનું પાણી ઉપલબ્ધ થાય તેવા પ્રયાસો થયા છે. વડાલી તાલુકામાં આવેલા ગામડાઓમાં પીવાના પાણીની વિકટ સમસ્યા હોવાથી લોકોને ખૂબ જ મુશ્કેલી ભોગવવી પડે છે તેમ જ પીવાનું પાણી લેવા ખૂબ દૂર સુધી ચાલતા જવું પડે છે. અત્યારે વિવિધ યોજનાઓ અંતર્ગત ધરોઇ ડેમમાંથી શુદ્ધ પીવાનું પાણી સાબરકાંઠા જિલ્લાનાં ૬૭૬ ગામડાઓમાં ૧૧ જૂથ યોજના દ્વારા પૂરું પડાઇ રહ્યું છે.