રાધનપુરઃ બનાસકાંઠા જિલ્લામાં ગત સપ્તાહે પડેલા વિનાશક વરસાદથી બેન્કના ATMમાં રહેલી ચલણી નોટો પણ ભીની થઇ ગઇ હતી. રાધનપુરમાં ભારે વરસાદને કારણે નવાબી વડપાસર તળાવ છલકાઈ જતાં સૌપ્રથમ લાલબાગ અને જલારામ સોસાયટીમાં પાણી ઘુસી ગયા હતા. પછી લાલબાગના પાછળના ભાગેથી એસ. ટી. સ્ટેન્ડમાં થઈને પાણી કઢાતા એસ. ટી. સ્ટેન્ડમાં આવેલું સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના ATMમાં પાણી ઘુસી ગયા હતા. જેના કારણે કેસેટોમાં રાખેલી રૂ. ૧૦૦૦, રૂ. ૫૦૦ અને રૂ. ૧૦૦ની કુલ રૂ. ૩૨ લાખ ,૮૨ હજારની કડકડતી નોટો પલળી ગઇ હતી. આથી બેન્ક મેનેજર મહેન્દ્રભાઈ મકવાણા અને કેશિયર બી. એચ. પઢીયારના જણાવ્યા મુજબ તમામ પલળેલી નોટોને બહાર કાઢીને સુકવીને ફરીથી ઉપયોગમાં લેવામાં આવશે. કોઈ નોટ ખરાબ થઈ નથી કે નુકસાન પણ થયું નથી.
ભારે વરસાદને કારણે અંબાજીમાં ગબ્બરની શિલા એક મીટર ખસીઃ બનાસકાંઠા જિલ્લામાં ૨૭, ૨૮ અને ૨૯ જુલાઈ દરમિયાન પડેલા અતિભારે વરસાદને કારણે તીર્થધામ અંબાજી તથા આજુબાજુના ડુંગરાળ વિસ્તારમાં ભેખડો ધસી પડવાની ઘટના બની છે. આ ઉપરાંત ગબ્બર તથા તેની પાસેના ૫૧ શક્તિપીઠનો વિસ્તાર ઢોળાવવાળો હોવાથી વાવાઝોડાને કારણે ત્યાં એક મોટા પથ્થરના નીચેના ભાગે માટીનું ધોવાણ થતા તે અંદાજે એક મીટર ખસીને પરિક્રમા માર્ગ ઉપર આવી ગયો હતો. જોકે, તેથી કોઈ નુકસાન થયું નથી. ટૂંક સમયમાં મંદિર ટ્રસ્ટ દ્વારા આ પથ્થરને તોડીને દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાશે.