વિજાપુરઃ પાટીદાર અનામત આંદોલનના સમર્થનમાં વિજાપુરના અનેક ગામોમાં રાજકીય વ્યક્તિઓએ પ્રવેશ કરવો નહીં અને જો કોઈ કાર્યકરો પ્રવેશ કરે તો જે તે ગામના યુવાનો દ્વારા અનિચ્છનીય બનાવ બનશે તેવી સ્પષ્ટ સંદેશો પ્રસરાવતા હોર્ડીંગ્સ તાલુકાના અનેક ગામોમાં લાગી ચુક્યા છે. રાજકીય પક્ષો પણ આ સાથે જ નફા-નુકસાનના ગણિત માંડી રહ્યા છે.
વિજાપુર તાલુકો રાજકારણની લેબોરેટરી તરીકે જાણીતો છે. અત્યારે અહીં ધારાસભ્ય કોંગ્રેસના હોવા છતાં ભાજપની સ્થિતિ મજબૂત છે અને જો પાટીદાર યુવકો અનામત આંદોલનને આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સુધી ખેંચી રાખે તો ભાજપ માટે કપરા ચઢાણ સાબિત થઇ શકે છે ભાજપ તરફથી પણ રાજકીય આગેવાનોમાં આ આંદોલનને લઈને બે સ્પષ્ટ ભાગ પડી ચુક્યા છે. ભાજપના જ કેટલાક આગેવાનો ભાજપમાં જ છેલ્લા ઘણા સમયથી ચાલતા એકહથ્થુ શાસનનો અંત લાવવાના ઈરાદાથી અનામત આંદોલન વધુ વકરે એમ ઈચ્છે છે અને પરોક્ષ રીતે આંદોલનને મદદ કરી રહ્યા છે. બીજી તરફ કોંગ્રેસી ધારાસભ્ય પી.આઈ. પટેલ પોતે પાટીદાર હોવાથી આ અનામત આંદોલનને ખુલ્લો ટેકો જાહેર કરી ચુક્યા છે. હોર્ડિંગ્સ-બેનરોમાં જણાવાયું છે કે, રાજકીય વ્યક્તિઓએ પ્રવેશવું નહીં અને ‘સરકાર હમ સે હૈ, હમ સરકાર સે નહીં’ જેવા બેનરો તાલુકાના રણાસણ, જેપુર, આનંદપુરા, મણીપુરા સહિતના અનેક ગામોમાં જોવા મળે છે. પાટીદારોને મનાવવાના અનેક પ્રયાસ નિષ્ફળ થયા છે.
મહેસાણામાં પોલીસ વિરુદ્ધ ૫૪ ફરિયાદ
પાટીદારો અનામત આંદોલન દરમિયાન સમાજના લોકો પર દમન ગુજારી ગાડીઓના કાચ ફોડવા સહિતનું નુકસાન કરવાના મુદ્દે પોલીસ વિરુદ્ધ રેન્જ આઇજીને કુલ ૫૩ ફરિયાદો મળી છે તેમાં ૪૦ ફરિયાદ તો મહેસાણાના પાટીદારોની હોવાનું બહાર આવ્યું છે. આ ફરિયાદોની તપાસ વિસનગર ડીવાયએસપીને સોંપાતા પોલીસ તંત્રમાં ફફડાટ વ્યાપ્યો છે. પાટીદાર અનામતના મુદ્દે અમદાવાદમાં ૨૫ ઓગસ્ટે આયોજિત ક્રાંતિરેલી પછી મોડી સાંજથી મહેસાણા સહિત જિલ્લામાં તોફાનો થયા હતા.