મહેસાણાઃ જિલ્લાના વિજાપુર તાલુકાના ત્રણ ગામોમાં લગભગ ૭૬ ખેડૂતોની ૪૦૦ વીઘા જમીન બોગસ દસ્તાવેજોના આધારે ગાંધીનગરના એક તબીબને વેચવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. ઠગાઈનો ભોગ બનેલા તબીબ પોલીસમાં ફરિયાદ કરવા ગયા હતા, પરંતુ પોલીસે તેને ધ્યાનમાં લીધી નહીં હોવાનો આક્ષેપ વિજાપુરના ધારાસભ્ય પ્રહલાદભાઈ પટેલે કર્યો હતો. પટેલે જણાવ્યું હતું કે, તાલુકાના વિજાપુર, ભાણપુર તથા સાંકાપર ગામના ૭૬ ખેડૂતોની ૪૦૦ વીઘા જમીનના ખોટા બાનાખત અને ખેડૂતોની ખોટી સહીઓ કરીને ગાંધીનગરના એક તબીબને પાંચ શખસોએ રૂ. ૩૨ કરોડમાં વેચી હતી. હિંમતનગર અને ઈલોલના દલાલોએ વિજાપુરના પાંચ શખસો સાથે મળીને આ કૌભાંડ કર્યું હતું. આ અંગે મુખ્ય પ્રધાન, પ્રધાન નીતિનભાઈ પટેલ, વિધાનસભાના અધ્યક્ષ, ગૃહ વિભાગ અને પોલીસ અધિકારીને રજૂઆત કરવામાં આવી હતી.