રાધનપુરઃ પાકિસ્તાનના સિંધ પ્રાંતમાંથી હિન્દુ નાગરિકો છ માસ અગાઉ વિઝિટર વિઝા પર યાત્રાળુ તરીકે ભારત આવ્યા હતા. સાતેક પરિવારના ૫૦ જેટલા સભ્યોની વિઝાની મુદ્દત પૂર્ણ થઈ ગઈ છે. આ તમામ હિન્દુ પરિવારે વિઝાની મુદ્દત વધારવા અથવા પાકિસ્તાન પરત જવા ઓનલાઈન અરજી કરી છે, પરંતુ તંત્ર દ્વારા આ પરિવારો બાબતે કોઈ નિર્ણય ન લેવાતા તમામ રાધનપુર તાલુકાના અલગ અલગ ગામોમાં સગા-સંબંધીને ત્યાં આશરો લેવા મજબૂર બન્યાં છે.
ભારત – પાકિસ્તાન ભાગલા વખતે કેટલાક હિન્દુ પરિવાર પાકિસ્તાનમાં જ વસી ગયા હતા, પરંતુ તેમના સગા-સંબંધી ભારતમાં રહેતા હોય તેવું બને છે. તેથી વિઝા લઈને આવા પરિવારના સભ્યો અવરજવર કરે છે. બંને દેશોના લોકોને આવાગમનની સરળતા માટે નૂરી વિઝાનો નિયમ છે. જોકે કેટલાક લેભાગુ એજન્ટોના કારણે પાકિસ્તાનથી વિઝિટર વિઝા પર આવેલા હિન્દુ પરિવારો ગુજરાતમાં ફસાયાં છે.
પાકિસ્તાનથી આવેલાં સાતેક હિન્દુ પરિવારની મહિલાઓ અને બાળકો સહિત પચાસ જેટલા સભ્યો ૧૦મી જૂન, ૨૦૧૯ના રોજ હરિદ્વાર દર્શન માટે યાત્રાળુ વિઝા લઈને ભારતમાં આવ્યા હતા. વિઝાની ત્રણ માસની મુદ્દત હતી. આ યાત્રાળુઓનાં વિઝાની મુદ્દત પૂર્ણ થવા છતાં ભારત સરકારે મુદ્દત વધારવા કે તેઓને પરત પાકિસ્તાન જવા અંગે કોઈ જ નિર્ણય કર્યો નથી. જેથી આ પરિવારોની હાલત કફોડી છે.
પાકિસ્તાનમાં બહેન -દીકરીઓ સલામત નથી
રાધનપુરમાં આશરો લેતા પાકિસ્તાની હિન્દુ પરિવારોએ જણાવ્યું કે, પાકિસ્તાનમાં અમારી બહેન-દીકરીઓ સલામત નથી. જમીનદારો દ્વારા અમારું શોષણ થાય છે. અમારે હવે પાકિસ્તાન જવું નથી. જોકે કેટલાકનાં બાળકો પાકિસ્તાનના આ તમામના વિઝા પૂરા થયા હોવાથી પાટણના પોલીસ વડાએ તપાસના આદેશ આપ્યા છે. ભારત અને પાકિસ્તાનના ભાગલા બાદ પાકિસ્તાનમાં રહેતા હિન્દુ પરિવારો ધીરે ધીરે પાકિસ્તાનમાં આચરવામાં આવતા અત્યાચારોને કારણે ભારત આવીને વસે છે. આવા ૧૦૦થી વધુ પરિવારો દિલ્હીમાં વસે છે.
રાધનપુર તાલુકાના દેવામાં ખેતરમાં રહેતા હિન્દુ પાકિસ્તાની પરિવારના મોભી ધરમશીભાઈએ જણાવ્યું કે પાકિસ્તાનના સિંધ પ્રાતમાં હૈદરાબાદમાં તેઓ રહેતા હતા. પાકિસ્તાનમાં હિન્દુ પરિવારોની સલામતી ન હતી. અમારી બહેન-દીકરીઓને બળજબરીથી ઉપાડી જવાતી. ત્યાં બળજબરીથી તેમનાં નિકાહ પઢાવાતા અને દીકરીઓનું ધર્મ પરિવર્તન કરાવાતું હતું.
આ બાબતે પોલીસ અથવા સરકારને ફરિયાદ કરીએ તો તેઓ અમારી કોઈ વાત સાંભળે નહીં. આ ઉપરાંત અમે ત્યાં ખેતરોમાં મજૂરી કરીએ તો જમીનદારો શોષણ કરતા. અમારી પાસે મજૂરી કરાવે અને ઓછા પૈસા આપે. પાકિસ્તાનથી આવેલી મહિલાઓએ જણાવ્યું કે, પાકિસ્તાનની શાળાઓમાં મૌલાનાઓ ભણાવે છે અને ત્યાં પણ હિન્દુ છોકરીઓનું શારીરિક શોષણ થાય છે. જેથી દીકરીઓને શાળાઓમાં પણ મૂકી શકતા નથી. સરકાર દ્વારા પણ કોઈ જ પ્રકારની સહાય કરાતી ન હોવાની વાત તેમણે જણાવી. તેઓએ જણાવ્યું કે, ભારતમાં આવ્યા બાદ બહેન-દીકરીઓની સલામત છે. ભારતની જેમ ત્યાં ખુલ્લેઆમ ફરી ન શકાતું ન હોવાનું પણ તેઓએ જણાવ્યું હતું. વિઝિટર વિઝા લઈને ટ્રેનમાં તેઓ ભારત આવ્યા હતા. તેવું તેમણે જણાવ્યું હતું.