મહેસાણાઃ બે વર્ષ અગાઉ એક તરફી પ્રેમમાં યુવતી પર એસિડ એટેક કરનારા આરોપીને મહેસાણા ડિસ્ટ્રિકટ એન્ડ સેશન્સ કોર્ટે આજીવન કેદ અને રૂ. ૧ લાખનો દંડ ફટકાર્યો છે. દંડની રકમ પીડિતાને વળતર પેટે ચૂકવવાનો અદાલતે આદેશ કર્યો છે. મહેસાણા નજીક નાગલપુર કોલેજમાં એફ.વાય.બીકોમમાં અભ્યાસ કરતી ૧૮ વર્ષની વિદ્યાર્થિની પોતાની બહેનપણી સાથે ૧-ર-ર૦૧૬ના રોજ સવારે ૯.૪પ કલાકે કોલેજ બહાર નીકળતી હતી. ત્યારે વડનગર તાલુકાના શેખપુર (વડ) ગામના હાર્દિક રાજેન્દ્રભાઈ પ્રજાપતિએ તેના પર એસિડ ફેંકયો હતો.
મોં ઉપર ફેંકાયેલા જવલનશીલ પદાર્થથી તે ગંભીર રીતે દાઝી ગઈ હતી. લાયન્સ હોસ્પિટલમાં સારવાર અપાયા બાદ તેને અમદાવાદ હોસ્પિટલમાં ખસેડાઈ હતી. આરોપી અને પીડિતા બન્ને એક બીજાના સગાં થતાં હોઈ પરિચયમાં હતાં અને આરોપી ૧૮ વર્ષની આ કોલેજ કન્યાને પોતાની સાથે પ્રણયસંબંધ બાંધવા પ્રપોઝ કરતો હતો. પરંતુ, તેણીએ ઈનકાર કરતાં આ એસિડ એટેક કરવામાં આવ્યો હતો.