મહેસાણાઃ દૂધ સાગર ડેરીના ચેરમેન તરીકે વિપુલ ચૌધરીએ મહારાષ્ટ્રમાં દુષ્કાળમાં મફતમાં આપેલા રૂ. ૨૨ કરોડના પશુ આહાર અને ખાંડની ખરીદી અને જથ્થાની ગેરરીતિઓ મળી કુલ રૂ. ૪૨ કરોડની નુકસાની મામલે સરકારે વિપુલ ચૌધરી પાસેથી જ વસૂલાત કરવા હાથ ધરેલી કાર્યવાહીને પડકારતી પિટિશન ચીફ જસ્ટિસની ખંડપીઠે ફગાવી દીધી છે. બીજી તરફ આ હુકમ સામે સુપ્રીમમાં જવા માટે સ્ટે માગતા હાઇ કોર્ટે આ હુકમના અમલ સામે ૧૫મી જુલાઇ સુધીનો સ્ટે આપ્યો છે.
ઉલ્લેખનીય છે કે વિપુલ ચૌધરીએ દૂધ સાગર ડેરીમાં ચેરમેન તરીકે તેમના કાર્યકાળ દરમિયાન અનેક ગેરરીતિઓ આચરી હોવાના આક્ષેપો થયા હતા. તેમણે મહારાષ્ટ્રમાં દુષ્કાળ દરમિયાન મહાનંદ ડેરી અને અન્ય સંસ્થાઓને રૂ. ૨૨ કરોડનો સાગરદાણ (પશુ આહાર) મફતમાં આપ્યો હતો. મફતમાં સાગરદાણ આપવા સામે તે સમયે ગુજરાત મિલ્ક ફેડરેશને વિરોધ પણ નોંધાવ્યો હતો. તે ઉપરાંત ખાંડની ખરીદી અને જગુદણ ખાતે ડેરીના ગોડાઉનમાંથી ખાંડનો ઓછો જથ્થો મળવા બાબતે પણ થયેલા કૌભાંડ મળી કુલ રૂ. ૪૨ કરોડની ગેરરીતિના આક્ષેપો વિપુલ ચૌધરી સામે થયા હતા.