મહેસાણા જિલ્લા દૂધ ઉત્પાદક સંઘના ચેરમેન પદેથી રાજ્ય સરકારે પદભ્રષ્ટ કર્યાના ગણતરીના જ દિવસોમાં ઉત્તર ગુજરાતના સહકારી નેતા વિપુલ ચૌધરીને વધુ એક ઝાટકો મળ્યો છે. દેશની સૌથી મોટી બ્રાન્ડ ‘અમૂલ’ ધરાવતા ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના ચેરમેનપદેથી તેમને અવિશ્વાસ પ્રસ્તાવથી હટાવવાના નિર્ણયને યોગ્ય ઠેરવતા ગુજરાત હાઇકોર્ટના ચુકાદાને પડકારતી વિપુલ ચૌધરીની પીટિશન સુપ્રીમ કોર્ટે પણ ગત સપ્તાહે ફગાવીને આ નિર્ણયને યોગ્ય ગણાવ્યો છે.
દારૂ પી જતાં ૪૦ બકરા ઢળી પડ્યાંઃ પોલીસે નાશ કરેલો દારૂ પી જતાં ૪૦ જેટલા બકરા ઢળી પડ્યાં હોવાનું જાણવા મળે છે. રમૂજ ઉપજાવે તેવી આ ઘટના ખેરાળુમાં બની હતી. ગત સપ્તાહે સ્થાનિક સરકારી ફાર્મમાં પોલીસે દારૂનો જથ્થો નાશ કર્યા બાદ ખાડામાં ભરાયેલો દારૂ આ બકરાંએ પીધો હતો. જોકે આ અંગે બકરાના માલિક રમેશભાઇ પટ્ટણીને જાણ થતાં તેમણે છાસ પીવડાવી દેશી ઉપચાર કરતાં બકરા ભાનમાં આવ્યા હતા. મોડી રાતે ભાનમાં આવેલાં બકરા બીજા દિવસે પણ નશામાં ચૂર હોવાથી તેને દિવસભર વાડામાં બાંધી રાખવા પડ્યા હતા.
ઉત્તર ગુજરાતમાં ૩.૬ની તીવ્રતાના ભૂકંપથી ભય વ્યાપ્યોઃ ઉત્તર ગુજરાતમાં ગત સપ્તાહે આવેલા ભૂકંપે ૨૦૦૧ના વિનાશક ભૂકંપને યાદ કરાવ્યો હતો. ૩.૬ રીક્ટર સ્કેલના આ ભૂકંપનું એપીસેન્ટર મહેસાણા જિલ્લાના ધરોઇથી પશ્ચિમ-ઉત્તર દિશામાં ૧૫ કિ.મી. દૂર હતું અને જમીનમાં પાંચ કિલોમીટર ઊંડે ઉત્પત્તિસ્થાન હોવાનું સિસ્મોલોજી વિભાગે જણાવ્યું હતું. જોકે, ૧૨થી ૧૫ સેકન્ડ રહેલા ભૂકંપના આંચકાએ ખાસ કોઇ નુકસાન કર્યું ન હતું પરંતુ લોકોમાં ભયનો માહોલ છવાયો હતો. આ આંચકો માત્ર ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, અરવલ્લી, સાબરકાંઠા, મહેસાણાનાં શહેરો તેમ જ અંતરિયાળ ગામડાંમાં અનુભવાયો હતો. ખાસ કરીને અંબાજી અને હિંમતનગરનાં ગામડાંમાં વધુ તીવ્રતાથી આંચકો અનુભવાયો હોવાનું જાણવા મળે છે.પાલનપુરના માલણ ગામની પ્રાથમિક શાળામાં તો દીવાલોમાં તિરાડ પડી ગઈ હતી.