મહેસાણા: વિહાર ગામના વિહારિયા હનુમાનજી મંદિર પાસે પુરાતત્ત્વ વિભાગ દ્વારા ખોદકામ કરાઈ રહ્યું છે. ખોદકામની સાથે આસપાસના વિસ્તારોમાં અભ્યાસ અને સંશોધન વિભાગની ટીમ ગામના સ્વામીનારાયણ મંદિરમાં પુજાતી વરાહ ભગવાનની મૂર્તિ સુધી પહોંચી હતી અને આ મૂર્તિ પ્રાથમિક તબક્કે સોલંકીકાળની હોવાનું અનુમાન છે. આ આકારની મૂર્તિ દેશની એકમાત્ર હોવાની પુરાતત્ત્વ વિભાગ જણાવે છે. ઉલ્લેખનીય છે કે, વરાહ ભગવાનની મૂર્તિ ગામના સ્વ. જોઈતારામ ઉજમદાસ પટેલને તેમના ખેતરમાંથી લગભગ ૮૦ વર્ષ પૂર્વે મળી હતી. મૂર્તિ સાથે શંખ, શાલિગ્રામજી અને માટીનું પાત્ર મળી આવ્યું હોવાનું તેમના પરિવારે જણાવ્યું હતું. આ અલભ્ય મૂર્તિની પૂજા-અર્ચના સાથે જાળવણી થાય તે માટે જે-તે સમયે જોઇતારામ પટેલે મૂર્તિને સ્વામીનારાયણ મંદિરમાં પધરાવી હતી.
વરાહ ભગવાની મૂર્તિના મુખના ભાગે ભગવાન વિષ્ણુની નાની પ્રતિમા સાથે આગળના ભાગે દેવી-દેવતાની બે મોટી પ્રતિમા છે. મૂર્તિના પૂછના ભાગમાં કોતરણી વાળું પાત્ર છે. તેમજ મૂર્તિની પીઠ પર વાસુકીનાગ સાથે સમુદ્ર મંથનનો પ્રસંગ દર્શાવતી દેવ-દાનવોની નાની નાની પ્રતિમાઓ છે. ચારે પગ પર ભગવાનની પ્રતિમાની કોતરણી કરેલી છે.