મહેસાણાઃ જિલ્લાના વિસનગરમાં ધૂળેટી પર્વે અનોખું ખાસડા યુદ્ધ ખેલાય છે. આ પરંપરાગત યુદ્ધમાં સ્થાનિકોએ મોટી સંખ્યામાં જોડાઈને એકબીજા ઉપર ખાસડા અને શાકભાજી ફેંકી મહોત્સવની ઉજવણી કરી હતી. જોકે યુદ્ધની દોડાદોડીમાં બે યુવકોને ઈજા થઇ હતી, જેમાંથી એકને સારવાર માટે દવાખાને ખસેડવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે આ યુદ્ધમાં જેને ખાસડું વાગે તેનું વર્ષ સારું જતું હોવાની માન્યતા રહેતી હોવાથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.
વિસનગરમાં અંદાજે દોઢસો વર્ષ અગાઉથી શરૂ થયેલી પરંપરા મુજબ ધૂળેટી પર્વે ખાસડા યુદ્ધ શરૂ થયું હતું. જેમાં શહેરના ઉત્તરમાંથી ફતેહ દરવાજા, માયા બજાર, ગોલવાડ સહિતના વિસ્તારમાંથી એક જૂથ નીકળ્યું હતું જેની સામે શહેરના કડા દરવાજા, દીપડા દરવાજા, ગજુ કૂઈ સહિતના વિસ્તારમાંથી બીજું જૂથ આવી ખાસડા યુદ્ધની શરૂઆત કરી હતી, જેમાં ચોકમાં મૂકેલો ઘડો મેળવવા માટે બંને જૂથ વચ્ચે એકબીજા ઉપર ખાસડાં અને શાકભાજી ફેંકાયા હતા. જ્યાં પોણો કલાક સુધી ચાલેલ યુદ્ધ બાદ એક જૂથે ઘડો લઈ લેતાં વિજેતા જાહેર થયું હતું.