વિસનગર નગરપાલિકાના ૨૫ કોર્પોરેટરોએ પાટીદાર અનામત આંદોલનના સમર્થન અને પોલીસ દમનના વિરોધમાં રાજીનામાં આપી દીધાં છે. ૨૮ ઓગસ્ટે તમામ કોર્પોરેટરોએ પાલિકામાં એકત્ર થઈ ચીફ ઓફિસરને રાજીનામા આપ્યાં હતાં. જોકે પાલિકાના કેટલાક કોર્પોરેટરોએ અગાઉથી રાજીનામાંની જાહેરાત કરી હતી. અમદાવાદમાં પાટીદાર અનામત આંદોલનની રેલી બાદ રાજ્યભરમાં તોફાનોનો માહોલ સર્જાયો હતો.
• ડીસા પાલિકાના ભાજપના સાત સભ્યો સસ્પેન્ડઃ ડીસા નગરપાલિકામાં ભાજપની સત્તા ઉથલાવી કોંગ્રેસે શાસન મેળવ્યું હતું. જોકે, તેમાં ભાજપના જ સાત સભ્યોએ પોતાના જ પક્ષની સત્તાને ઉથલાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી હોવાથી અગાઉ પાર્ટી દ્વારા આ સાત સભ્યોને પક્ષાંતર ધારા હેઠળ સસ્પેન્ડ કરાયા હતા. જોકે, કોર્ટમાંથી સ્ટે મેળવ્યા બાદ ગત સપ્તાહે ગુજરાત હાઈ કોર્ટે પણ સ્ટે ઉઠાવી લેતા આ સભ્યોને ઘરે બેસવું પડ્યું છે અને ન.પા.માં ખળભળાટ મચી ગયો છે.
• બે યુવાનો મોત બદલ પોલીસ સામે કાર્યવાહી કરવા માગઃ પાટીદારોને અનામતની માગણી સાથે ગત સપ્તાહે અમદાવાદની મહારેલી પછી આપવામાં આવેલા ગુજરાત બંધના એલાન દરમિયાન ફાટી નીકળેલા તોફાનોમાં પાલનપુર તાલુકાનું ગઢ ગામ બચી શક્યું નહોતું, જેમાં પોલીસ ફાયરિંગમાં વેડંચા અને કાંમલીના બે યુવાનોનાં મોત થયા હતાં. રવિવારે વેડંચામાં મૃતકની અંતિમવિધિ હતી ત્યારે મોટી સંખ્યામાં લેઉવા પટેલ સમાજના લોકો ઉમટ્યા હતા. જ્યાં મૃતકના કાકા શિવરામભાઇ ફોસીએ દોષિતોને ૧૦ દિવસમાં ડિસમિસ નહીં કરાય તો પોતે આત્મવિલોપન કરશે તેવી ચીમકી આપી હતી.