બહુચરાજીઃ મહેસાણાથી ૫૦ કિમી અને બહુચરાજીથી ૫ કિમીના અંતરે આવેલા ચાંદણકી ગામમાં પ્રવેશતાં જ ચોખ્ખા ચણક રસ્તા જોવા મળશે, પરંતુ બે-ચાર ઘરડા માણસો સિવાય કોઈ જુવાનિયો અહીં દેખાશે નહીં. પહેલી નજરે ગામમાં કોઇ રહેતું ના હોય તેવું લાગે, પણ બપોરે ૧૧ વાગે શિવમંદિરમાં એક પછી એક વ્યક્તિ આવે ત્યારે ખબર પડે કે ગામ તો ધબકતું છે.
ગામના તમામ વરિષ્ઠ નાગરિકો માટે કમ્યુનિટી હોલમાં ભોજનની વ્યવસ્થા થાય ને સૌ સવારે ને રાત્રે સાથે જમે. ગામના રહીશ રતિલાલ પટેલ કહે છે કે, આમ તો ગામની વસતી ૧૧૦૦ની છે પણ, મોટાભાગના લોકો રોજગાર અર્થે અમદાવાદમાં રહે છે. ૧૦૦ માણસો તો અમેરિકામાં છે. લોકો વાર-તહેવારે ગામમાં આવે છે. બાકી ઘરડા લોકો શાંતિમય જીવન જીવે છે. હાલમાં ગામમાં માત્ર સિત્તેર ઘરડાં લોકો રહે છે, જે એક જ રસોડે જમે છે.
૬૫ વર્ષીય સરપંચ ગૌરીબેન પ્રજાપતિ અને ઉપસરપંચ કમુબેન પટેલના નેતૃત્વમાં ગામનું શાસન ૫૫થી ૮૦ વર્ષની સ્ત્રીઓ જ ચલાવે છે. આખા ગામમાં સિમેન્ટના પાક્કા રસ્તા, કમ્યુનિટી હોલ કિચન, અને પીવાના શુદ્ધ પાણીની સગવડ છે.