પાલનપુરઃ થરાદના સાંચોર હાઈવે પર આવેલા સત્યમ નગર સોસાયટીમાં રહેતા પ્રાથમિક શાળાના શિક્ષક રાજામાભાઈ ગમાજી પુરોહિતને વર્ષ ૨૦૧૨માં બહેનને ત્યાં મામેરું ભરવાનું હતું અને ખેતરમાં બોર બનાવવો હતો. નાણાંની અતિ જરૂરિયાત ઊભી થતાં તેમણે થરાદના રાશિયા શેરીમાં રહેતા હરેશ વજીર (ભાટી) પાસેથી રૂ. ૩ લાખ વ્યાજે લીધા હતા.
એ પછી આ વ્યાજખોરે ૨૦ ટકાનું વ્યાજ અને મૂડીનું ચક્રવૃદ્ધિ વ્યાજ ગણીને તબક્કાવાર શિક્ષક પાસેથી રૂ. ૯ લાખ પડાવી લીધા હતા. આમ છતાં વ્યાજ અને મૂડીની પઠાણી ઉઘરાણી ચાલુ રહેતાં શિક્ષકે મોરીલાના દેવા ઓખાભાઈ રબારી પાસેથી પણ રૂ. ૪ લાખ વ્યાજે લીધા હતા. તેઓએ પણ મૂડીનું વ્યાજ ૧૦ ટકા જેટલું ગણતા આખરે વ્યાજના વિષચક્રમાં પસાયેલા શિક્ષકે વર્ષ ૨૦૧૪માં શ્રીલંકાના કોલંબોની એક હોસ્પિટલમાં જઈને રૂ. ૧૫ લાખમાં કિડની વેચીને વ્યાજખોરોને રૂપિયા ચૂકતે કર્યા હતા.
આમ છતાં વ્યાજખોરોએ ત્રાસ આપવાનું ચાલુ રાખતાં શિક્ષકે તાજેતરમાં ટ્રેન નીચે પડતું મૂકી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે સગાંઓએ શિક્ષકને બચાવી લીધાં હતા અને પોતાની જિંદગી હરામ કરી મૂકનારા ચાર વ્યાજખોરો વિરુદ્ધ થરાદ પોલીસમથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ બનાવની તપાસ હાથ ધરી હતી.