પાલનપુર, ડીસા: ગુજરાતના પૂર્વ મુખ્ય પ્રધાન શંકરસિંહ વાઘેલા ૨૯મીએ બનાસકાંઠાના પૂરગ્રસ્ત ગામોની મુલાકાતે આવ્યા હતા. પાલનપુરમાં સમર્થકોની સાથે મુલાકાત કરી પૂરગ્રસ્ત વિસ્તારમાં જવા માટે રવાના થયા હતા. ત્યાર બાદ ડીસાના એપીએમસીમાં શંકરસિંહ વાઘેલાએ મુલાકાત લીધી હતી અને સરકાર દ્વારા જરૂર પડે રૂ. ૫૦૦ કરોડ ઉપરાંતની સહાય કરે તેવી વિનંતી સરકારને કરી હોવાનું જણાવ્યું હતું.
બીજી તરફ પૂરના સમયે બેંગલુરુમાં ફરી રહેલા ધારાસભ્યો વિશે જણાવ્યું હતું કે તેમણે નૈતિકતા ગુમાવી છે અને પુરગ્રસ્ત બનાસકાંઠાના લોકોની મદદ કરવાની જગ્યાએ બેંગલુરુમાં પિકનિક કરી રહ્યા છે. બાપુની સાથે માણસાના ધારાસભ્ય અમિતભાઈ અને રાધનપુરના માજી ધારાસભ્ય ભાવસિંહ સહિત આગેવાનો બનાસકાંઠાના પૂરના અસરગ્રસ્તોની મુલાકાતે આવ્યા હતા. બાપુએ જણાવ્યું હતું કે પોતે રાજકારણથી અલગ થયા બાદ રાજકારણમાં પડશે નહીં. વિશેષમાં જણાવ્યું હતું કે સરકારે રૂ. ૫૦૦ કરોડની સહાયની જાહેરાત કરી છે ત્યારે સરકાર વધુ સહાય કરે તેવી મારી અરજી છે.
ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય કૃષિ પ્રધાન રાધા મોહનસિંહે બનાસકાંઠા જિલ્લાના પૂર અસરગ્રસ્ત વિસ્તારની ૨૯મી જુલાઈએ મુલાકાત લીધી હતી. તેઓએ સવારે ૧૨-૪૦ કલાકે પાલનપુર સર્કિટ હાઉસમાં જિલ્લા કલેક્ટર દિલીપ રાણા અને જિલ્લા વહીવટી તંત્ર સાથે બેઠક યોજીને જિલ્લામાં પૂરથી નુકસાન અંગે સમીક્ષા કરી હતી. ત્યાર બાદ બનાસકાંઠા જિલ્લાના પૂર અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લેવા નીકળ્યા હતા. તેમની સાથે કેન્દ્રીય કૃષિ રાજ્ય પ્રધાન પુરુષોત્તમભાઈ રૂપાલા, મહેસૂલ તથા રાજ્યના કૃષિ અને ઊર્જા પ્રધાન ચીમનભાઈ સાપરીયા પણ હતા.