શક્તિ-ભક્તિ-પ્રકૃતિનો સમન્વયઃ અંબાજીમાં રૂ. 1200 કરોડના ખર્ચે બનશે શક્તિ કોરિડોર

Wednesday 31st July 2024 05:56 EDT
 
 

પાલનપુર: આશરે 1200 કરોડના ખર્ચે અંબાજી શહેરની કાયાપલટનો માસ્ટર પ્લાન તૈયાર થયો છે. યોજના અનુસાર, આગામી ઓક્ટોબર મહિનાથી ત્રણ તબક્કામાં અંબાજી ડેવલપમેન્ટ પ્રોજેક્ટનું કામ શરૂ થશે, અને 2027 સુધીમાં પ્રોજેક્ટને પુરો કરવાનું લક્ષ્ય છે. ગબ્બર અને મંદિરને જોડતા માર્ગને શક્તિપથ નામ અપાશે.
આ પ્રોજેક્ટમાં સૌથી વિશેષ તો ગબ્બર પર્વત દેવી સતીના હૃદયનું સ્થાન (જ્યોત) અને વિશા યંત્ર કે જ્યાં હાલ મંદિર આવેલું છે તેને જોડવા માટે માર્ગ બનાવવાનું આયોજન થયું છે. શહેરી રસ્તાથી અલગ જ આ વૈકલ્પિક માર્ગ બનશે. 50 વર્ષીય માસ્ટર પ્લાનમાં શક્તિ, ભક્તિ અને પ્રકૃતિનો સમન્વય થશે.
શક્તિપથ તૈયાર થયા બાદ શ્રદ્ધાળુઓ વિશા યંત્રના દર્શન કરી મંદિર પ્રાંગણના ચાચરચોકમાંથી 2.5 કિમી રસ્તે ચાલીને સીધા ગબ્બર સુધી પહોંચી શકશે. શક્તિપથ અંતર્ગત ગબ્બર, વિશા યંત્ર મંદિર, માનસરોવર, રેલવે સ્ટેશન અને કામાક્ષી માતા મંદિરને જોડાશે.
અહેવાલ અનુસાર, વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ આ પ્રોજેક્ટ તૈયાર થઈ રહ્યો છે. આ વિશ્વસ્તરીય પ્રોજેક્ટ માટે અધિકારીઓ ઉપર તેમની સીધી નજર છે. વડાપ્રધાન સમક્ષ અંબાજી મંદિર પ્રોજેક્ટનું પ્રેઝેન્ટેશન રજૂ થઈ ચૂક્યું છે. તેમણે કેટલાક સૂચનો આપ્યા છે તે મુજબ ફેરફાર કરી યુદ્ધના ધોરણે કામગીરી પુર્ણ કરવા સૂચનાઓ અપાઈ છે. અંબાજી પ્રોજેક્ટમાં કોઈ ચૂક રહે નહીં તેની તકેદારી રાખવા પણ ખાસ સુચના અપાયાના અહેવાલ છે.
પ્રથમ તબક્કામાં...
• ગબ્બર સર્કલ અને અંબાજી સર્કલ તૈયાર થશે • અંડરપાસ-વે બનશે, રાહદારીઓ માટે રસ્તો બનશે • દિવ્યદર્શની ચોક બનશે, શક્તિપથ-2નું કાર્ય થશે • વિવિધ સુવિધાને લગતા કાર્યો થશે • પાર્કિંગ અને આગમન પ્રાંગણ બનશે • સુવિધા પુરી પાડવા માટેની ઈમારતો તૈયાર થશે
બીજા તબક્કામાં...
• એમ્ફિથિયેટર અને લાઈટ-સાઉન્ડ શો • ગબ્બર નજીક પાર્કિંગની વ્યવસ્થા સુદઢ કરાશે • ગબ્બર અરાઈવલ પ્લાઝા બનશે • ગબ્બર મંદિરનું વિસ્તરણ કરાશે • મલ્ટિ લેવલ કાર પાર્કિંગ બનશે • ઈન્ફર્મેશન ડેસ્ક, ટૂરિસ્ટ ફેસિલિટી, EV સ્ટેશન્સ
ત્રીજા તબક્કામાં...
• સતી સરોવર અને સતી ઘાટ બનશે • ઈવેન્ટ ગ્રાઉન્ડ તૈયાર થશે પાર્કિંગની સુવિધા વધશે • ગબ્બર તરફ જવાના માર્ગની કામગીરી કરાશે • વિશા યંત્ર મંદિર પરિસરનો વિસ્તાર, મ્યુરલ વોલ • શક્તિપથ-1 આજુબાજુની ઈમારતોને સુવિધાઓ • માનસરોવરનો વિસ્તાર વધારાશે


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter