શગુન ગ્રૂપનો ભાગેડુ બિલ્ડર પત્ની સાથે ઝડપાયો

Wednesday 30th May 2018 07:39 EDT
 
 

અમદાવાદઃ શગુન ગ્રૂપ ઓફ કંપની દ્વારા શગુન બિલ્ડ સ્ક્વેર લિમિટેડ તથા શગુન એગ્રી સ્પેસ લિમિટેડ નામની કંપની ખોલી ગુજરાતના હજારો લોકો પાસેથી રૂ. ૨૦૦ કરોડ એકત્ર કરી ઓફિસો બંધ કરી નાસી છૂટેલા આ કંપનીના સ્થાપક મનીષ સત્યનારાયણ શાહ તથા તેની પત્ની ગીતાબહેન શાહની સીઆઈડી ક્રાઈમે ૨૩મી મેએ તેમના નિવાસસ્થાન હિંમતનગરમાંથી ધરપકડ કરી હતી. આરોપીઓ છેલ્લા છ મહિનાથી વોન્ટેડ હતા.
શગુન ગ્રૂપ ઓફ કંપનીમાં અલગ અલગ સ્કીમો બહાર પાડી ખેડૂતો, નોકરિયાતો મહિલાઓ વિદ્યાર્થી વગેરેને તેમની કંપનીમાં રોકાણ કરવાથી સારું વળતર આપવાની લાલચ આપી મનીષ શાહે રાજ્યભરમાં એજન્ટોની નિમણૂકો કરી હતી. તેની પત્ની ગીતાબહેન કંપનીના ચેરમેનપદે હતાં. જ્યારે શૈલેષ મકવાણા, યોગેન્દ્ર રામી વગેરે ડિરેક્ટરો હતા શરૂઆતમાં લોકોને એકના ડબલ કરી અપાયા હતા અને પછી લોકોને લાલચ આપી રૂ. ૨૦૦ કરોડ ઉઘરાવી લેવાયા હતા. અંતે કંપનીના સંચાલકોએ પોતાનું પોત પ્રકાશ્યું હતું અને રાતોરાત ઓફિસો બંધ કરી નાસી છૂટ્યા હતા.
દરમિયાન સીઆઈડી ક્રાઈમને ખબર મળ્યાં હતાં કે, મનીષ તેની પત્ની સાથે હિંમતનગરના નિવાસસ્થાને આવ્યો છે. બાતમીના આધારે સીઆઈડીની એક ટીમે વોચ ગોઠવી ૨૩મી મેએ બંનેને ઝડપી લીધા હતા.
એકના ડબલની લાલચ
મૂળ રાજસ્થાનથી આવીને હિંમતનગરમાં વસેલો મનીષ શાહ આઈસક્રીમની લારી ચલાવતો હતો જેમાંથી તેણે ધીરધારનો ધંધો શરૂ કર્યો હતો અને પછી તેણે શગુન નામની કંપની ખોલી હતી જેમાં એકના ડબલ આપવાનું શરૂ કર્યું હતું જેમાં મોટા ફંકશનો ગોઠવી લોકોને જાહેરમાં નોટોના બંડલો આપી તેણે આકર્ષણ ઊભું કર્યું હતું. જેના પગલે લોકો લાલચમાં આવી ગયા હતા અને તેણે કરોડો ઉઘરાવી છેતરપિંડી આચરી હતી અંતે તેની ધરપકડ થઈ છે.
વૈભવી જીવનશૈલી
મનીષની પત્ની ગીતાબહેન અતિ વૈભવી જીવનશૈલી ધરાવે છે. ગીતાબહેન તેમના વાળ કપાવવા માટે દુબઈની પ્રખ્યાત સલૂનમાં જતી હતી. આ ઉપરાંત પરિવારમાં નાના મોટા ફંક્શનમાં બોલિવૂડના ફિલ્મ સ્ટારને બોલાવવાનો પરિવારનો શોખ હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter