મોડાસાઃ શામળાજી વિસ્તારનાં ખેરાડી - ભિલોડા ગામના ૧૦૦ વર્ષના દાદીમાં ઈજુબહેન જીવણભાઈ પટેલનું નિરોગી અને આનંદમય જીવન જોઈને સૌને નવાઈ લાગે છે. આટલી વય છતાં ઇજુબહેનને હજુ પણ આંખે ચશ્મા આવ્યા નથી અને કોઈની પણ મદદ વિના તેઓ પોતાનું નિત્યકામ જાતે જ કરે છે. વળી, ઘરમાં નાના મોટા કામમાં મદદ પણ કરે છે. ખાટલે બેસીને કયારેક થાળીમાં ઘઉ સાફ કરવા કે યુવાનોથી ના થાય તેવું સોંયમાં દોરો પરોવવાનું કામ પણ તેઓ ત્વરાથી કરી નાંખે છે.
સામાન્ય રીતે વધતી ઉંમર અનેક રોગ લાવે છે, પણ ઇજુદાદીમાને બ્લડ પ્રેશર, એસીડીટી, ડાયાબિટીસ, દમ, શ્વાસ કે શરીરનો કોઈ રોગ નથી. ઇજુબહેન રોજ પોતાના ફળિયામાં અને ઘર આસપાસ કોઈની પણ મદદ વગર એક દોઢ કિલોમીટર સવાર સાંજ ચાલે છે.
ઇજુબહેન ખુશ થતાં કહે છે કે, પોતાની નજરે પાંચ-છ પેઢી જોવાનો લ્હાવો હું લઈ રહી છું. પુત્રો, પુત્રીઓ, પૌત્રો, પૌત્રીઓ, પ્રપૌત્રો અને પ્રપૌત્રીઓ મળીને ૨૮ સભ્યોનો પરિવાર કિલ્લોલ કરતો જોવાનું સદભાગ્ય મને સાંપડયું છે.
સમયે-સમયે પરિવારમાં લગ્નો સહિતના શુભપ્રસંગોના દાદીમા સાક્ષી બનતા રહ્યા છે. તાજેતરમાં જ ઇજુબહેનના ઘરે પાંચમી પેઢીએ શુભપ્રસંગ હતો ત્યારે ખાટલે બેઠાં-બેઠાં ઇજુબહેને ઘઉં સાફ કર્યાં હતાં અને એ દૃશ્ય જોઈને પ્રસંગમાં આવેલાં મહેમાનો દંગ રહી ગયા હતા!
ઉલ્લેખનીય છે કે ઇજુબહેનને ત્રણ સંતાનો છે. જેમાં ૭૦ વર્ષના કોદરભાઈ અને ૫૮ વર્ષના શિવુભાઈ એમ બે પુત્રો અને ૬૨ વર્ષના પુત્રી મધુબહેનનો સમાવેશ થાય છે. ઇજુબહેન કહે છે કે, ટીંટોઈ ગામે પરણાવેલી દીકરી સહિતનો હર્યોભર્યો પરિવાર જોઈને મને ખૂબ જ આનંદ થાય છે.
ઇજુબહેનની જેમજ ખેરાડી ગામમાં એક પરિવારના મોભી કચરાભાઈ લવજીભાઈ પટેલ પણ નિરોગી જીવન જીવી રહ્યા છે.
આવા વૃદ્ધોનાં નિરામય અને દીર્ઘાયુ જીવનનું રહસ્ય ગામડાનું શુદ્ધ વાતાવરણ, સાનુકુળ હવામાન, શુદ્ધ હવા-પાણી ઉપરાંત સતત કંઈને કંઈ કામ કરતા રહીને શરીરને જરૂરી વ્યાયામ આપતા રહેવાની તસદી પણ હોઈ શકે.