અંબાજી, શામળાજી: પવિત્ર યાત્રાધામ શામળાજી બાદ હવે અંબાજી મંદિરમાં પણ ધાર્મિક મર્યાદા જળવાય તે હેતુથી દર્શનાર્થે આવતા ભક્તોના વસ્ત્ર પરિધાન અંગે મંદિર દ્વારા એડવાઇઝરી જારી કરવામાં આવી છે. નવી એડવાઈઝરી મુજબ મંદિરમાં હવે ટૂંકા વસ્ત્રો પહેરીને આવતા કોઈ પણ પુરુષે કે સ્ત્રીને પ્રવેશ આપવામાં આવશે નહીં. ભારતીય સંસ્કૃતિની ગરિમા જળવાય તે માટે થઇને ટ્રસ્ટે લીધેલા આ નિર્ણયને ભાવિકોએ આવકાર્યો છે.
ઉલ્લેખનીય છે કે જાણીતા શામળાજી મંદિરમાં પણ ગયા સપ્તાહે જ ટૂંકા વસ્ત્રો પહેરીને આવતા યાત્રિકો માટે પ્રવેશ પ્રતિબંધ ફરમાવાયો છે. અને હવે રવિવારે સાંજથી યાત્રાધામ અંબાજી મંદિરમાં પણ ટુંકા પરિધાન પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ટ્રસ્ટના સૂત્રોએ જણાવ્યું હતું કે, ભારતીય સંસ્કૃતિની ગરિમા જળવાય તે માટે ટુંકા વસ્ત્રો પહેરીને આવતા યાત્રિકોએ મંદિર સંકુલમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ માટે અંબાજી મંદિરના તમામ પાંચ પ્રવેશદ્વારો પર બેનર પણ મુકાયા છે.
શામળાજી મંદિર ટ્રસ્ટના વાઇસ ચેરમેન રણવીરસિંહ ડાભીએ જણાવ્યું હતું કે કેટલાક ભક્તો ટૂંકા વસ્ત્રો પહેરીને ભગવાનના દરબારમાં પહોંચી જાય છે. તેથી મંદિર ટ્રસ્ટ દ્વારા નિર્ણય થયો છે કે શ્રદ્ધાળુઓ ટૂંકા વસ્ત્રો પહેરીને દર્શન કરવા જઈ શકશે નહીં. ટૂંકા વસ્ત્રો પહેરીને આવનારી બહેનોને દર્શન કરવા હોય તો મંદિર ટ્રસ્ટ દ્વારા લેડિઝ લહેંગાની વ્યવસ્થા કરવામાં આવી છે.
આ જ પ્રમાણ પુરુષો પણ બરમુડો પહેરીને આવ્યા હશે તો તેમને ધોતી કે પિતાંબરી પહેરીને ભગવાનના દર્શન કરવા મળશે. આ નવી વ્યવસ્થાનો ૧૯ માર્ચથી અમલ શરૂ થઇ ગયો છે.