મોડાસાઃ પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીના પ્રાચીન મંદિરમાં બિરાજતા ગદાધર ભગવાન વિષ્ણુના ભવ્ય મંદિરનાં શિખર, કળશ અને ધ્વજદંડ સોનાથી મઢી લેવાયાં છે. શામળાજીના ભક્તો દ્વારા મળેલા ૬૦ તોલા સોનાના દાનથી શ્રાવણ માસના પ્રથમ દિવસે જ મંદિરના સોનેરી શણગારથી દર્શનાર્થીઓ હરિના ચરણોમાં શિશ ઝુકાવી ભાવવિભોર બન્યા હતા.
શામળાજીમાં ભગવાન શ્રીવિષ્ણુના અતિપ્રાચીન મંદિરે શિશ ઝુકાવતાં શામળિયા ભક્તો દ્વારા મંદિરને ૬૦૦ ગ્રામ સોનું દાન કરાયું હતું. સુરત અને નડિયાદના આ ભક્તો દ્વારા શામળિયાજીને અર્પણ કરેલાં ૬૦ તોલા સોનાના દાનમાંથી ભવ્ય મંદિરના શિખર કળશ, અને ધ્વજ દંડ સુવર્ણજડિત કરવાની કામગીરી મંદિર ટ્રસ્ટ દ્વારા હાથ ધરાઈ હતી અને પાદરના કારીગરો દ્વારા કસબ દાખવી ખૂબ જ ટૂંકા ગાળામાં વરખ બનાવી મંદિરનો શિખર કળશ અને ધ્વજદંડ સોનાથી મઢી તૈયાર કરી દેવાયા હતા.