બાયડઃ અરવલ્લી જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં કારતકી પૂનમનો મેળો માણવા દૂર દૂરથી શ્રદ્ધાળુઓ હજારોની સંખ્યામાં ઉમટ્યા હતા અને અહીં આવેલા નાગધરા કુંડમાં સ્નાન કરી ધન્યતા અનુભવી હતી.
દર વર્ષની જેમ જ આ વર્ષે પણ સમગ્ર શામળાજી મંદિર પરિસરમાં આ વખતે પણ ભજન કીર્તનનો માહોલ જામ્યો હતો. કારતકી પૂનમના દિવસે શામળાજીમાં કાળિયા ઠાકોરના દર્શનનું ઘણું મહત્ત્વ હોય છે અને કાળિયા ઠાકોરની મોહક મૂર્તિના દર્શન કરીને શ્રદ્ધાળુઓ ધન્યતા અનુભવે છે.
વળી, અા દિવસે કૃષ્ણભક્તોમાં વર્ષોથી ચાલી આવતી બાળકોની લટ લેવાની પ્રથા પ્રચલિત છે એ કારણે પણ ભક્તોની અહીં ભીડ જોવા મળે છે. તો બીજી તરફ અહીંના આદિવાસી લોકો પોતાની શૈલી અનુસાર દર વર્ષે માતૃપિતૃ અર્પણ વિધિ માટે શામળાજી આવે છે.