માણસા: હીરાવાડી સોસાયટીમાં રહેતા ડો. તુષારભાઈ જાનીનો પુત્ર વર્ષ ૨૦૧૪માં એમ. જી. ચૌધરી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ધોરણ ૭માં અભ્યાસ કરતો હતો. શાળાના વ્યાયામ શિક્ષકે તુષારભાઈના પુત્રને અડધો કલાક મરઘો બનાવતાં વિદ્યાર્થીને પેટમાં દુઃખાવો થવા લાગ્યો. જેથી તે ઊભો થતાં શિક્ષકે તેના માથે લાકડાના ડસ્ટરનો છુટ્ટો ઘા કર્યો અને તેને માથામાં ઈજા થઈ હતી. તુષારભાઈએ શાળામાં આ મુદ્દે શાળાના ટ્રસ્ટીઓ સમક્ષ ફરિયાદ કરી તો તેમની અવગણના થઈ હતી. એ પછી તપાસ કરતા શાળાનાં શિક્ષકોની લાયકાત તથા અન્ય નિયમો મુદ્દે ખામીઓ વર્તાતા આ મુદ્દે તેમણે આરટીઆઇ કરી હતી.
તુષારભાઈએ ગાંધીનગર ગ્રાહક તકરાર નિવારણ ફોરમમાં અખિલ સ્કૂલ સંચાલક આંજણા સેવા મંડળના એમડી, પ્રમુખ, મંત્રી તથા એમ. જી. ચૌધરી સ્કૂલના પ્રિન્સિપાલ વિરુદ્ધ પુરાવા સાથે ફરિયાદ કરતાં રૂ. ૧૯.૧૫ લાખનું વળતર માગ્યું હતું. આ કેસમાં ફોરમે ફરિયાદને અંશત મંજૂર કરતાં શાળાને ગુજરાત રાજ્ય કન્ઝ્યુમર વેલ્ફેર ફંડમાં રૂ. ૩.૫૧ લાખ જમા કરાવવાનો, ફરિયાદીને તમામ ખર્ચ સાથે રૂ. ૧૦પપ૦૦ ચૂકવવાનો આદેશ આપ્યો.