મેઘરજ: મેઘરજ ગ્રામ પંચાયત દ્વારા શૌચાલય બનાવવાની કામગીરી સખી મંડળોને અપાઈ હતી. તે પૈકી અમન સખી મંડળે બનાવેલા શૌચાલયમાં હિન્દુ ધર્મના પ્રતીકોનો ઉપયોગ કરાયો હતો. જેથી હોબાળો થતાં ટાઇલ્સો દૂર કરાઇ હતી. મેઘરજ તાલુકાના ભાજપના જિલ્લા પ્રધાન કનુભાઈ પરમારને આ અંગે જાણ થતાં તેઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. શૌચાલયમાં હિન્દુ ધર્મના પ્રતીકોનો ઉપયોગ થયો હોવાનું દેખાતાં ટાઈલ્સો દૂર કરવા જણાવાયું હતું.
ઈન્દિરાનગરમાં મકરાણી કાલુભાઈ કરીમભાઈના ઘરે અમન સખી મંડળના મુમતાઝ ખેરાડા અને શમીમબાનો ભાયલાએ શૌચાલય બનાવવાના કામમાં શિવાલય, ઓમ, દિવા, ભગવાન કૃષ્ણ, ભગવાન ગણપતિ, શ્રીફળ, કળશના પ્રતીકોવાળી ટાઈલ્સનો ઉપયોગ કર્યો હોવાનું બહાર આવ્યું હતું. જેથી ગામના હિન્દુ સમાજમાં રોષ વ્યાપી ગયો હતો અને કનુભાઈ સહિતના હિન્દુ સંગઠનોના કાર્યકર્તાઓએ તાલુકા પંચાયતે પહોંચીને ટીડીઓ સમક્ષ વિરોધ નોંધાવ્યો હતો. સમગ્ર ઘટના અંગે ટીડીઓએ સરપંચને જાણ કરતાં સરપંચે ઘટનાસ્થળે પહોંચી તપાસ કરતાં ઘટનામાં સત્યતા જણાતાં ટાઈલ્સો કઢાવી દેવામાં આવી હતી.