માણસાઃ મહુડીના સુપ્રસિદ્ધ જૈન તીર્થધામમાં રૂ. 45 લાખના સોનાનું વરખ અને સોનાની ચેઇન ચોરવાના આરોપમાં બે ટ્રસ્ટીની ધરપકડ કરવામાં આવી છે. ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે બંને ટ્રસ્ટીની ધરપકડ કરીને સોનાની ચેઇન રિકવર કરી છે.
મહુડી મંદિરમાં આઠ ટ્રસ્ટીઓ પૈકી ભૂપેન્દ્રભાઈ શાંતિલાલ વોરાએ માણસા પોલીસ સ્ટેશનમાં અન્ય ટ્રસ્ટી નિલેશભાઈ મહેતા તથા સુનિલભાઈ મહેતા સામે મંદિરમાંથી ભગવાનના સોનાનું વરખ અને સોનાની ચેઇન સહિત મંદિરના ભંડારામાંથી રોકડ રકમની ઉચાપતનો આરોપ લગાવીને ફરિયાદ નોંધાવી હતી. વર્ષોની પરંપરા મુજબ ભગવાનનાં સોનાનું વરખ ધનતેરસના દિવસે ઉતારી ટ્રસ્ટીઓની હાજરીમાં ગણતરી કરીને ગાળવામાં આવે છે.
જોકે આ વખતે સોનાનું વરખ 700થી 800 ગ્રામ ઓછું નીકળતાં ભૂપેન્દ્રભાઈને શંકા ગઈ હતી અને મંદિરના ભંડારામાંથી રોકડ ચાઉં થયાની શંકા હોઈ સીસીટીવી ચાલુ કરી દેવાયા હતા. જેમાં નિલેશ મહેતા અને સુનિલ મહેતા શંકાસ્પદ હિલચાલ કરતાં કેદ થઈ ગયા હતા. આ દરમિયાન સ્ટાફના માણસોની પૂછપરછમાં પણ થોડા દિવસો પહેલાં નિલેશભાઈ મહેતા અને સુનિલભાઈ મહેતાએ સ્ટાફની હાજરીમાં સોનાના વરખની ડોલ અને સોના-ચાંદીની લગડીઓ પણ બહાર કાઢી હોવાનું જણાયું હતું.
ટ્રસ્ટી ભૂપેન્દ્રભાઈ વોરાની ફરિયાદના આધારે ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બંનેની ધરપકડ કરી સોનાની ચેઇન રિકવર કરી લેવાઈ હતી, તેમજ લાખો રૂપિયાના સોનાના વરખની ભાળ મેળવવા બંનેને રિમાન્ડ પર લેવાયા છે.