• ડીસામાં ભાજપના કોર્પોરેટરે સગીરા સાથે દુષ્કર્મ આચર્યુંઃ ડીસામાં નગર પાલિકાના ભાજપના કોર્પોરેટર જીતુ રાણા સામે ૧૫ વર્ષીય સગીરા પર બળાત્કારનો આરોપ છે અને તેની ૧૮મીએ ધરપકડ પણ કરાઈ છે. આ ઘટનામાં પોલીસ ફરિયાદમાં જણાવાયું છે કે, કોર્પોરેટર કિશોરીને ઉપાડી ગયા અને અજ્ઞાાત સ્થળે લઇ જઇને તેના પર દુષ્કર્મ આચર્યું હતું. કિશોરીને કહ્યું હતું કે આ વિશે કોઇને કહીશ તો મારી નાંખીશ. દુષ્કર્મનો ભોગ બનેલી સગીરાએ આખી વાત પોતાના પરિવારજનો કરી હતી જેથી સગીરાના પરિવારજનો સમાજના આગેવાનોને લઇને ડિસા શહેર પોલીસ સ્ટેશને જઇને પોલીસને રજૂઆત કરી હતી. ત્યારબાદ સગીરાની માતાએ કોર્પોરેટર વિરુદ્ધ ફરિયાદ કરી હતી. પોલીસે ઘટનાની ગંભીરતા ધ્યાને લઈને કોર્પોરેટરની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડની માગણી કરી હતી. પરંતુ કોર્ટે રિમાન્ડ નામંજૂર કરીને કોર્પોરેટરને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યો હતો.
• અંબાજીના હિમાંશુ ગઢવીની વોટ્સએપ જેવી જ ‘હિમજી ચેટ’ ડિજિટલ ઇન્ડિયા અંતર્ગત સોશિયલ મીડિયાનો પણ વ્યાપ ખૂબ વધ્યો છે. મૂળ અંબાજીના રહેવાસી અને પાલનપુરની વિદ્યામંદિરમાં ધોરણ-૯માં અભ્યાસ કરતા હિમાંશુ ગઢવીએ વોટ્સએપ જેવી જ ‘હિમજી ચેટ’ એપ બનાવી છે. એક જ એપમાં ૫૦૦૦થી પણ વધુ મિત્રોને એક ગ્રૂપમાં જોડી શકાય છે. ૨ જીબી સુધીની કોઈ પણ પ્રકારની ડેટા ફાઈલ સરળતાથી અને ઝડપથી અપલોડ કરી શકાય છે. ‘હિમજી ચેટ’ એપનું ગુગલમાં પણ રજિસ્ટ્રેશન કરાવાયું છે. આ એપને હાલમાં ૪.૯ રેન્ટ મળ્યા છે તે જોવા મળે છે. ગુગલમાં આ એપ રજિસ્ટર્ડ છે એ અંગેનાં ગુગલનાં સર્ટિફિકેટ્સ પણ હિંમાશુએ મેળવી લીધાં છે.
• રૂ. ૧૦ માટે દલિતની હત્યાઃ સાબરકાંઠાના વિજયનગર તાલુકાના ચિઠોડા ગામે પાન મસાલા અને દારૂ માટે માત્ર રૂ. ૧૦ની નજીવી બાબતે એક દલિત યુવકની છરીના ઘા મારી હત્યા કરાઈ હતી. ૧૫મી જૂને યુવક પર હુમલા બાદ રવિવારે તેનું મોત થતાં લોકોએ આરોપીઓ સામે પગલાંની માગ સાથે લાશ પોલીસ મથકે મૂકી હતી. બાદમાં પોલીસે કસૂરવારો સામે પગલાં ભરવાની ખાતરી બાદ યુવકના અંતિમસંસ્કાર કરાયા હતા.
• આખરે મૃતક કેતન પટેલની અંતિમવિધિઃ ચોરીના કેસમાં ધરપકડ કરાયેલા બલોલ ગામના કેતન પટેલની કસ્ટોડિયન ડેથ બાદ સરકારની નિષ્પક્ષ તપાસની ખાતરી બાદ રવિવારે સવારે મૃત્યુના ૧૪મા દિવસે કેતનનો મૃતદેહ પરિવારે સ્વીકાર્યો હતો. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મહેસાણા સિવિલ હોસ્પિટલથી નીકળેલી અંતિમયાત્રા ગોપીનાળા, રાધનપુર ચોકડીથી બલોલના માર્ગો પરથી પસાર થઈ ત્યારે રસ્તાની બન્ને બાજુએ લાઇનબદ્ધ ઉભેલા પાટીદારોએ કેતનને પુષ્પાંજલિ આપી હતી.