સગાઈ તૂટી તો પૂર્વ મંગેતરના ફેસબૂક - જીમેઇલ હેક કર્યાઃ મહિલા ડોક્ટરની ધરપકડ

Friday 27th November 2020 05:27 EST
 
 

પાટણઃ સગાઇ તૂટી જવાથી નારાજ પાટણની એક મહિલા ડોક્ટરે તેના પૂર્વ મંગેતરના ફેસબૂક-જીમેઇલ એકાઉન્ટ હેક કરીને ધમકી આપતાં પોલીસે તેની ધરપકડ કરી છે. અમદાવાદની વિખ્યાત વી.એસ. હોસ્પિટલમાં બે વર્ષથી ફરજ બજાવતા ડોકટરે મેટ્રીમોનિયલ સાઇટ પર પોતાની વિગતો મુકી હતી. જેથી પાટણમાં રહેતી એક મહિલા ડોકટર સાથે તેમની સગાઇ થઇ હતી. જોકે બન્ને વચ્ચે મનમેળ ના થતાં સગાઇ તુટી ગઇ હતી. જેનો બદલો લેવા મહિલા ડોકટરે વી.એસ.ના ડોકટર અને તેની મહિલા મિત્રનું ફેસબુક આઇડી અને જીમેઇલ આઇડી હેક કર્યા હતા. તેણે ડોકટરને મોબાઇલ પર પણ ધમકી આપતાં સાયબર ક્રાઇમે પાટણની મહિલા ડોકટરની ધરપકડ કરી છે.
તપાસમાં ખૂલ્યું છે તે પ્રમાણે મહિલા ડોકટર બોગસ આઇડી બનાવીને પૂર્વ મંગેતર અને તેની મિત્રને હેરાનપરેશાન કરતી હતી. ડોકટરને ગુમરાહ કરવા માટે દર્દી જેવો મેસેજ કરીને ધમકી આપી હતી. વીએસના ૩૨ વર્ષીય ડોકટરના લગ્ન કરવાના હોવાથી મેટ્રીમોનિયલ સાઇટમાં બધી વિગતો મુકી હતી. પાટણની ભારતી સોસાયટીમાં રહેતી ૨૬ વર્ષની ડો. વિધી રશ્મિકાંત શાહ સાથે સગાઇ થઇ હતી. થોડાક સમય બાદ સગાઇ તૂટી હતી. આથી ડો. વિધીએ બદલો લેવા માટે હૈદર મનસુરી નામનું ફેક આઇડી બનાવીને પૂર્વ મંગેતર ડોકટર અને તેની ગર્લફ્રેન્ડને ધમકી આપવાનું શરૂ કર્યું હતું. એટલું જ નહીં ડોકટરનુ ફેસબુક આઇડી અને જીમેઇલ હેક કરી નાંખ્યુ હતું. આ અંગેની જાણ થતાં ડોકટરે સાયબર સેલમાં ફરિયાદ કરતાં પોલીસે ડો. વિધીની ધરપકડ કરી છે. વિધીએ પોલીસ સમક્ષ કબુલ્યું છે કે તેણે જ હૈદર મનસુરી નામનુ બોગસ આઇડી બનાવ્યુ હતું. તેમજ તેની સગાઇ તુટતાં માઠું લાગતાં તેણે બદલો લેવા આ કૃત્ય આચર્યુ હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter