મહેસાણાઃ વિશ્વમાં બાળકોનાં ભણતરમાં સુધારો કરવા માટે અનેક યોજનાઓ અમલમાં હોય છે. વિશ્વભરમાં બાળકોનાં શિક્ષણ માટે કાર્યરત બીઆઇસી ક્રિસ્ટલ પેન સંસ્થા દર વર્ષે બાળકોના ભણતરમાં સુધારો લાવવા પ્રયત્નશીલ શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન કરાય છે. આ વર્ષે સમગ્ર વિશ્વમાંથી પસંદગી પામેલા ૧૦ ઇમ્પેક્ટ એજ્યુકેટરમાં ભારતમાંથી એકમાત્ર મહેસાણા જિલ્લાના મહાદેવપુરા (ડાભલા) પ્રાથમિક શાળાના શિક્ષક દિલીપસિંહ વિહોલનો સમાવેશ થાય છે. તેમણે એવોર્ડની ૪ હજાર યુરો એટલે કે રૂ. ૪ લાખ ૩૩ હજાર ૧૨૫ની રકમ શાળાના વિદ્યાર્થીઓના વિકાસ માટે સ્કૂલને અર્પણ કરી છે.
મેથડ ઓફ લર્નિંગ માટે એવોર્ડ
બીઆઇસી ક્રિસ્ટલ પેન એવોર્ડ-૨૦૨૦માં ૮ દેશોના ૧૦ શિક્ષકોનું સન્માન કરાયું હતું. જેમાં ભારતના એક ઉપરાંત અમેરિકા અને બ્રાઝિલના ૨-૨ તેમજ ઓસ્ટ્રેલિયા, ગ્રીસ, તુર્કી, યુગાન્ડા અને ઇથોપિયાના ૧-૧ શિક્ષકનો સમાવેશ થાય છે. મહાદેવપુરા (ડા) પ્રાથમિક શાળાના શિક્ષક દિલીપસિંહ વિહોલને ન્યૂ મેથડ ઓફ લર્નિંગ માટે આ એવોર્ડ મળ્યો છે. આ અગાઉ પણ રૂ. ૯૬ હજારની રકમ તેઓ સ્કૂલમાં જ આપી ચૂક્યા છે. શિક્ષકની આ સિદ્ધિને જિલ્લા વિકાસ અધિકારી એમ.વાય.દક્ષિણી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડો. ગૌરાંગ વ્યાસ, નાયબ પ્રાથમિક શિક્ષણાધિકારી પુલકિત જોશીએ બિરદાવી હતી.