મહેસાણાઃ ગોધરાકાંડ બાદ સરદારપુરામાં ફાટી નીકળેલા તોફાનો અંગે હાઈ કોર્ટે ૨૦મી ઓક્ટોબરે ચુકાદો આપતાં ૧૭ આરોપીને દોષિત જાહેર કર્યાં છે અને ૪૫ને નિર્દોષ છોડ્યા છે. વર્ષ ૨૦૦૨માં ગોધરાકાંડના પગલે પાટણ જિલ્લાના વિજાપુર તાલુકાના સરદારપુરામાં પહેલી માર્ચ, ૨૦૦૨ના રોજ ફાટી નીકળેલા તોફાનોમાં ૩૩ લોકોને બંધ મકાનમાં જ તોફાની ટોળાએ જીવતા સળગાવી દીધા હતા. આ કેસ વર્ષ ૨૦૧૧માં ચાલ્યો ત્યારે મહેસાણા કોર્ટે કુલ ૭૩ આરોપીઓમાંથી ૩૧ને દોષિત જાહેર કરીને આજીવન કેદની સજા ફટકારી હતી જ્યારે ૪૨ને નિર્દોષ જાહેર કર્યા હતા. ૪૨માંથી ૧૧ને પુરાવાના અભાવે અને ૩૧ને શંકાનો લાભ આપીને નિર્દોષ જાહેર કરાયા હતા. નિર્દોષ જાહેર કરાયેલાઓને રૂ. ૨૫ હજારના બોન્ડ જમા કરાવવાનો આદેશ કરાયો હતો. મહેસાણા કોર્ટના ચુકાદા સામે વર્ષ ૨૦૧૨માં હાઇ કોર્ટમાં અરજી દાખલ કરાઈ હતી. જેનો ૨૦મી ઓક્ટોબરે હાઈ કોર્ટે ચુકાદો આપ્યો હતો.
ઘટનાની વિગત
ગોધરાકાંડ બાદ તોફાની ટોળાએ સરદારપુરા ગામમાં ઈબ્રાહિમ શેખના ઘરમાં ઘૂસીને આશરો લઈ રહેલા તમામ ૩૩ લોકોને મકાનમાં પૂરીને આંગ ચાંપી દીધી હતી. ૨૮મી ફેબ્રુઆરી, ૨૦૦૨ની રાત્રે ગામમાં કોમી રમખાણો ફાટી
નીકળતાં મોટી સંખ્યામાં લોકોએ ઈબ્રાહિમ શેખના ઘરમાં આશરો લીધો હતો.