પાટણઃ પ્રાચીન ગ્રંથોમાં સિદ્ધપુરની સરસ્વતી નદીનું ઘણું મહત્ત્વ દર્શાવવામાં આવ્યું છે. આ નદી અત્યારે સુક્કીભઠ બની છે. તેને ફરી વહેતી કરવા સિદ્ધપુરના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના દંડક બલવંતસિંહ રાજપૂતે પાણી પુરવઠા પ્રધાન બાબુભાઈ બોખરિયાને રજૂઆત કરી છે. તેમણે જણાવ્યું છે કે, એક સમયે સરસ્વતી નદી બંને કાંઠે છલકાતી હતી. ઋગ્વેદમાં વર્ણવ્યા મુજબ સરસ્વતી એક વિશાળ નદી હતી અને તેમાં બારેમાસ પાણી વહેતું હતું. આથી આ નદીના પવિત્ર પાણીના સ્નાનથી લોકો વંચિત રહી જતા હોવાથી તેમની લાગણી દુભાય છે. ખોરસમ પ્રોજેક્ટ હેઠળ સરસ્વતી નદીમાં પાઈપલાઈન દ્વારા પાણી ભરવા તેમણે રજૂઆત કરી છે.
ઉલ્લેખનીય છે કે, સરકાર દ્વારા ખોરસમ પ્રોજેક્ટ હેઠળ ખોરસમ તળાવને નર્મદાની મેઈન કેનાલમાંથી નર્મદાનું પાણી ભરી પંપીગ પાઈપલાઈન દ્વારા બ્રાહ્માંડેશ્વર મહાદેવ પાસે સરસ્વતી નદીમાં બનાવવામાં આવેલ માધુપાવડી ચેકડેમ પાણીથી ભરવાની યોજના છે. પરંતુ તે સંપૂર્ણ સફળ નથી તેમ જ આ યોજના ખર્ચાળ પણ સાબિત થઈ છે.
-------------------
હિંમતનગરના ૧૧ ગામ દ્વારા યોગ દિનનો બહિષ્કારઃ છેલ્લા કેટલાક દિવસોથી હિંમતનગર સહિત ૧૧ ગામોમાં હિંમતનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (હૂડા)નો અમલ કરવા માટે પ્રાથમિક જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું હતું ત્યારે અનેક લોકોએ તેનો વિરોધ કર્યો હતો. દરમિયાન ૨૧ જૂને વિશ્વ યોગ દિનની ઉજવણીનો હિંમતનગર તાલુકાના ૧૧ ગામોએ બહિષ્કાર કરીને યોગ નિદર્શનના કાર્યક્રમનું આયોજન કર્યું ન હતું.
પાલનપુરના સંશોધક શ્રેષ્ઠ રીસર્ચ પેપરનો એવોર્ડ મળ્યોઃ પાલનપુર તાલુકાના મોટા ગામના વતની અને અત્યારે ગાંધીનગરની સંસ્થામાં ફરજ બજાવતા અભિજિતસિંહ અજિતસિંહ પરમારે ‘સુનામી એવેક્યુએશને સીસ્ટમ ફોર વેસ્ટર્ન કોસ્ટ ઓફ ગુજરાત ઇન પોરબંદર સિટી’ પર રીસર્ચ પેપર રજૂ કર્યું હતું. જેને ૩૧ દેશો અને ૫૦ રીસર્ચ પેપરમાંથી ‘બેસ્ટ રીચર્સ પેપર’ એવોર્ડ મળ્યો છે. સુરતમાં જન્મેલા અભિજિતસિંહે બી.ઈ.(સીવીલ) અને એમ.ટેક.(સ્ટ્રક્ચર)નો અભ્યાસ કર્યો છે. અત્યારે તેઓ ‘માઈક્રો અર્થક્વેક’માં પી.એચડી. કરી રહ્યા છે તેને આટલી નાની ઉંમરે લખેલા ચાર પુસ્તકોનો એન્જિનિયરિંગ અભ્યાસક્રમ સમાવવામાં આવ્યા છે.