સિદ્ધપુરઃ જે લોકો જ્ઞાન આપે, સત્સંગ દ્વારા સંસ્કારની વાતો કરે છે તેઓ જ સમાજમાં નીચા જોણું થાય તેવું કામ કરે તો કોણ કોની ઉપર વિશ્વાસ કરે તેવી વાતો અત્યારે એક ઘટના પરથી ચર્ચાય રહી છે. કાળુપુર સ્વામિનારાયણ સંસ્થાના તાબા હેઠળ સિદ્ધપુરના સ્વામીનારાયણ ગુરુકુળના કુમળી વયના બાળકો સાથે સ્વામીએ જ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હોવાનો ભાંડો ફૂટતા સ્થાનિકો અને વાલીઓમાં ખળભળાટ મચ્યો છે. સંતના ઓઠા હેઠળ બેઠેલા પાંખડીને તેના જ મદદગાર પટાવાળા અને રસોઈયાને પકડીને જેલમાં મોકલાયા છે.
સિદ્ધપુરમાં દેથળી ચાર રસ્તા પરના કાળુપુર સ્વામિનારાયણ સંસ્થાના શાળા અને છાત્રાલયમાં એમ.ડી.નો દરજ્જો ધરાવતા અને ૧૦ વર્ષથી રહેતા સિદ્ધેશ્વરસ્વામીએ આ દુષ્કૃત્ય આચર્યું હતું. છાત્રાલયનો પટાવાળો કનુ પટેલ અને રસોઈયો જગદીશ લિંબાચિયા બાળકોને ફોસલાવીને સંત નિવાસમાં રહેતા સ્વામી સિદ્ધેશ્વર ગુરુ લક્ષ્મીપ્રસાદના રૂમમાં મોકલતા હતા. નાણાંની લાલચ આપી સ્વામીએ ૧૭ જુલાઈએ સવારે ૯ વાગ્યે ધોરણ-૭માં ભણતાં બે બાળકો સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું. આ બાળકોએ ફોન દ્વારા તેમના વાલીને જાણ કરતાં તેઓ ચોંકી ગયા હતા. જોકે, ત્યાંથી તેમને મારી નાખવાની ધમકી મળી હતી. આથી, વાલીઓએ પોલીસને જાણ કરતા પોલીસે ગુનો નોંધી છાત્રાલયેથી સિદ્ધેશ્વરસ્વામી, જગદીશ અને કનુ પટેલની ધરપકડ કરી હતી.