અમદાવાદ: મહેસાણા જિલ્લાના ઉંઝાનું જીરું, ઇસબગુલ અને વરિયાળી વૈશ્વિક બજારમાં નામના ધરાવે છે. વિશ્વમાં જીરાના મોટા નિકાસકાર તરીકે સીરિયાની ગણના થાય છે, પરંતુ ત્યાં આઠ વર્ષથી ગૃહયુદ્ધની સ્થિતિ હોવાથી જીરાનો વેપાર ત્યાં પડી ભાંગ્યો છે. તેથી વિશ્વબજાર જીરા માટે ઉંઝા પર આધાર રાખે છે.
ઉંઝાના માર્કેટિંગ યાર્ડમાં એક ક્વિન્ટલ જીરાનો ભાવ હાલ રૂ. ૧૮,૫૦૦ છે. ડિસેમ્બરમાં આ ભાવ રૂ. ૨૧,૪૦૦ને પાર પહોંચ્યો હતો. સીરિયામાં હાલ તારાજીભરી પરિસ્થિતિ હોવાના કારણે ભારતમાંથી જીરાની નિકાસ મોટાપાયે થઈ રહી છે.
ભારતમાં જીરાનું ૯૯ ટકા ઉત્પાદન ગુજરાત અને રાજસ્થાનમાં જ થાય છે. વિશ્વસ્તરે જીરાના વેપાર બાબતે વૈશ્વિક બજારમાં સીરિયાનું મુખ્ય હરીફ ભારત હતું. વર્ષ ૨૦૧૨થી સીરિયામાં ઇસ્લામિક સ્ટેટના પગપેસારાના કારણે જીરાનું વાવેતર ઓછું થવા માંડયું. વર્ષ ૨૦૧૪માં આ વાવેતર ઘટીને પચાસ ટકાએ પહોંચ્યુ હતું. હવે છેલ્લાં બે વર્ષથી સીરિયાથી થતી જીરુંની નિકાસ પડી ભાંગી હોવાના કારણે સીધો લાભ ભારત-ગુજરાતને થયો છે.
દેશમાં ઉત્પાદિત જીરામાંથી લગભગ ૫૮ ટકા જીરુ ગુજરાતમાં થાય છે અને ૪૧ ટકા રાજસ્થાનમાં થાય છે. બાકીનો એક ટકો મધ્ય પ્રદેશ તથા અન્ય રાજ્યોમાં થાય છે. રાજસ્થાનમાં ઉગતા જીરાનું પ્રોસેસિંગ અને વેચાણ પણ ઉંઝા માર્કેટિંગ યાર્ડમાં જ થાય છે. વર્ષ ૨૦૧૬-૧૭માં ભારતે ૧,૧૯,૦૦૦ ટન જીરુંની નિકાસ કરી હતી જેની કિંમત રૂ. ૧૯૬૩ કરોડ રૂપિયા હતી.
આ તમામ જીરાની નિકાસ ઉંઝાની બજારના માધ્યમથી થઈ હતી. વર્ષ ૨૦૧૨ સુધી ઉંઝા દર વર્ષે ૨૦,૦૦૦થી ૩૦,૦૦૦ ટન જીરાની નિકાસ કરતું હતું, પરંતુ ત્યાં ગૃહયુદ્ધ શરૂ થતાં જીરાની આયાત માટે વિશ્વના ઘણાં દેશો ભારત પર આધાર રાખી રહ્યા છે. ઉત્પાદનમાં ગુજરાત અને રાજસ્થાન મોખરે છે. મધ્ય પ્રદેશના અમુક વિસ્તારોમાં પણ જીરાનું વાવેતર થાય છે. આશ્ચર્યજનક વાત એ છે કે ઉંઝાને ભલે જીરાના વેપારનું મોટું કેન્દ્ર ગણવામાં આવતું હોય, પરંતુ ઉંઝા તાલુકામાં જીરાનું વાવેતર નહીંવત્ પ્રમાણમાં થાય છે. મહેસાણા જિલ્લો પણ જીરાના વાવેતરમાં ગુજરાતમાં ચોથું કે પાંચમું સ્થાન ધરાવે છે. ગુજરાતમાં સુરેન્દ્રનગર, બનાસકાંઠા અને પાટણમાં જીરાનું વધુ પ્રમાણમાં વાવેતર થાય છે. હાલ તો આ વિસ્તારના ખેડૂતો જીરુના વાવેતરમાં સારી એવી આવક મળતી હોવાના કારણે જીરુંના વાવેતર તરફ આકર્ષાયા છે.