ગાંધીનગરઃ ગુજરાત હવે રાષ્ટ્રીય સ્તરે ઓટોમોબાઈલ હબ તરીકે ઉભરી રહ્યું છે. અમદાવાદના સાણંદમાં ટાટા મોટર્સ, ફોર્ડ જેવી પ્રખ્યાત કંપનીઓના પ્લાંટ છે ત્યારે હવે સુઝુકી મોટર્સે તેનો વધુ એક પ્લાંટ અમદાવાદના હાંસલપુર ખાતે કાર્યાન્વિત કર્યો છે. હાલ અહીં સુઝુકી મોટર્સના બે પ્લાંટમાં કાર ઉત્પાદન ચાલું જ છે. હવે ‘સી’ પ્લાંટ પણ પુર્ણરૂપે બની ગયો હોય અહીં પણ ચાલુ માસથી જ કાર ઉત્પાદન શરૂ થઈ જશે. આ પ્લાંટની વાર્ષિક ક્ષમતા ૭.૫૦ લાખ યુનિટની છે અને સરેરાશ ૨.૫૦ લાખ યુનિટનું ઉત્પાદન કરી શકાય છે. અત્યાર સુધી સુઝુકીએ ગુજરાતમાં ૧૨૬.૮ બિલિયન રૂપિયાનું રોકાણ કર્યું છે. તેમજ ગત વર્ષે એટલે કે ૨૦૨૦માં ૩.૪૬ લાખ યુનિટ કારનું ઉત્પાદન કર્યું હતું. ગુજરાતમાં હવે સુઝુકીના ત્રણ પ્લાંટ ધમધમશે. પ્લાંટ-એ અને પ્લાંટ-બીમાં પહેલાથી જ કારનું ઉત્પાદન થતું હતું જ્યારે હવે પ્લાંટ-સીમાં પણ કાર ઉત્પાદન શરૂ કરશે. આવનાર ટુંક સમયમાં સુઝુકી પોતાના લિથિયમ-આયર્ન પ્લાંટનું પણ લોકાર્પણ કરે તેવી શક્યતા છે.