વોશિંગ્ટન: અંતરિક્ષમાં ફસાયેલાં ભારતીય મૂળનાં અમેરિકન સુનીતા વિલિયમ્સના અંતરિક્ષમાં રહેવાની અવિધ સતત વધતી જઈ રહી છે. હાલ તેમના પરત આવવાનો સમય ફેબ્રુઆરી 2025 નક્કી થયો છે. સુનીતાના પતિ માઈકલે પત્ની અંતરિક્ષમાં ફસાઈ હોવાને લઈને કહ્યું કે, અંતરિક્ષ સુનીતાનું સૌથી પસંદગીનું સ્થળ રહ્યું છે. અહીં તે ખુશ રહે છે.
વોલ સ્ટ્રીટ જર્નલ સાથેની વાતચીતમાં તેમણે કહ્યું, અંતરિક્ષ તેની ખુશી પાછળનું કારણ છે. ભલે કેમ તેને અનંતકાળ સુધી ત્યાં રહેવું પડે. તેમનો પરિવાર એકદમ નિશ્ચિંત છે. બુશ વિલ્મોરની પત્નીએ કહ્યું કે, અમને નથી લાગતું કે તેઓ ફેબ્રુઆરી કે માર્ચથી પહેલા આવી શકશે. ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર લાંબા એક્સપોઝરથી લઈને માઈક્રોગ્રેવિટી સુધી, સુનીતા વિલિયમ્સ અને બુશ વિલમોરને અનેક આરોગ્યને લગતા પ્રશ્નો જેમ કે બોન ડેનસિટીની ઘટ, આંખો સાથે જોડાયેલી સમસ્યા અને ડીએનએ ડેમેજ થવાના કારણે કેન્સર થવાનો પણ ખતરો ઊભો થઈ શકે છે. નોંધનીય છે કે આ જ તમામ કારણોને કારણે સ્પેસ એક્સપ્લોરેશન મિશનને ઓછી અવિધનું રાખવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે સુનિયા વિલિયમ્સ મૂળ ઉત્તર ગુજરાતના ઝુલાસણ ગામના વતની છે. તેમના પરત ફરવામાં સર્જાયેલા વિલંબને પગલે હાલમાં જ ઝુલાસણના રહેવાસીઓએ ગામની દીકરી હેમખેમ પરત ફરે એ માટે સાથે મળીને પૂજા-પ્રાર્થના કરી હતી.
સુનીતાનું તબીબી પરીક્ષણ
નાસાનાં સૂત્રોના કહેવા મુજબ આઇએસએસમાં સુનિતા વિલિયમ્સની બંને આંખોના કોર્નિયા (આંખનો સૌથી બહારનો હિસ્સો-નેત્રપટલ), લેન્સ અને આંખની નસનું તબીબી પરીક્ષણ કરવામાં આવ્યું છે. આમ તો સુનિતા વિલિયમ્સ સહિત આઇએસએસમાંનાં અન્ય અવકાશયાત્રીઓની આંખનું પણ તબીબી પરીક્ષણ કરવામાં આવ્યું છે. તબીબી પરીક્ષણની આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન પૃથ્વી પરના આંખના નિષ્ણાત તબીબોની ટીમે પણ હાજર રહીને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
તબીબોના કહેવા મુજબ અવકાશયાત્રીઓને અંતરિક્ષમાંના ગુરુત્વાકર્ષણ બળની અસરને કારણે શરીરમાંનું પ્રવાહી ઉપરના હિસ્સા તરફ વહેવા માંડે છે. પરિણામે અવકાશયાત્રીના મગજ, આંખ સહિત અન્ય અવયવો પર ભારણ વધે છે. ક્યારેક તો આંખનો આકાર પણ બદલાઇ જવાનું જોખમ રહે છે.
નાસાનાં સૂત્રોના કહેવા મુજબ સુનિતા વિલિયમ્સને બોન ડેન્સિટી (માનવ શરીરમાંનાં હાડાકાંમાં કેલ્શિયમનું અને ફોસ્ફરસનું પ્રમાણ ઘટવું)ની સમસ્યા થઇ છે. આ બંને કુદરતી તત્ત્વોનું પ્રમાણ ઘટી જવાથી અવકાશયાત્રીનાં હાડકાંની અસલ શક્તિ ઓછી થતી જાય. પરિણામે અવકાશયાત્રી ઉભો રહી શકતો નથી.