બેચરાજી તાલુકામાં આવેલા મોઢેરા ગામના જગવિખ્યાત સૂર્યમંદિરે દર શ્રાવણ માસ દરમિયાન ભવ્ય લોકમેળો ભરાય છે. આ શ્રાવણ વદ અમાસે પણ યોજાયેલો લોકમેળો પણ રંગેચંગે સંપન્ન થયો હતો. આશરે દસ હજાર હજારની સંખ્યામાં મોઢેરા આજુબાજુના ગામના લોકોએ અમાસે સૂર્યમંદિરની મુલાકાત લીધી હતી અને સૂર્યમંદિરના પ્રવેશદ્વાર પાસે આવેલા પવિત્ર રામકુંડમાં મોટી સંખ્યામાં ભક્તોએ સ્નાન કરીને ધન્યતા અનુભવી હતી.
• શોર્ટસર્કિટ અને કાર લોકમાં રાધનપુરનું મિલમાલિક દંપતી ભડથુંઃ રાધનપુરની એક જિનિંગ મિલના ૫૩ વર્ષીય માલિક કનુભાઈ આચાર્ય (ઠક્કર) મંગળવારે વહેલી સવારે ૬ વાગ્યે વારાહી દર્શને જતા હતા ત્યારે રોડ પર વીજ સબ સ્ટેશન નજીક કારમાં શોર્ટસર્કિટથી આગ લાગી હતી અને કાર અંદરથી લોક થઈ જતાં વેપારી અને તેમનાં પત્ની દક્ષાબહેન (૫૦) ભડથું થઈ ગયાં હતાં. પોલીસે ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી કરી હતી. મૃતકના ભાઇ ચકનભાઈ ભાજપના પદાધિકારી હોઈ સ્થાનિક કાર્યકરો સત્વરે સ્થળે પહોંચી ગયા હતા.
• અરવલ્લી જિલ્લામાં ૩૦ કામદારોને છૂટા કરાતા ઉપવાસ આંદોલનઃ દલિત અગ્રણીઓ દ્વારા દલિતોને પડતી હાલાકી દૂર કરવા આગામી દિવસોમાં દલિત આંદોલનને ઉગ્ર બનાવવાની તૈયારીઓ હાથ ધરાઈ છે. ત્યારે બીજી બાજુ અરવલ્લી જિલ્લામાં આવેલા એક પશુ દવાખાનાઓમાં વર્ષોથી સ્વીપર તરીકે દલિતોને હંગામી ધોરણે નોકરી રખાતા હતા તેમને છૂટા કરી દેવાયા છે. આ કામદારોને કાયમી નોકરીમાંથી વર્ષ ૨૦૦૬માં છૂટા કરી દેવાયા હતા અને દવાખાનામાં ૨૦૦૬થી આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટ પદ્ધતિ દાખલ કરાઈ હતી, પણ તા વર્ષોથી ફરજ બજાવતા દલિત કામદારોનો આઉટસોર્સિંગ પદ્ધતિમાં પણ સમાવેશ નહીં કરાતા ન્યાય મેળવવા ૩૦ કામદારોએ જિલ્લા પંચાયત કચેરી આગળ અચોક્કસ મુદ્દતના ધરણા કર્યાં હતા.
• કચ્છના બે સેવાભાવીઓને ડો. કલામ ‘રાષ્ટ્રરત્ન’ એવોર્ડઃ પૂનાના મણિભાઈ દેસાઈ માનવ સેવા ટ્રસ્ટ દ્વારા બે કચ્છી સહિત ૧૧ સેવાભાવીને ભારતરત્ન ડો. એ પી જે અબ્દુલ કલામ રાષ્ટ્રરત્ન એવોર્ડ આપવાનું જાહેર કરાયું છે. ટ્રસ્ટ દ્વારા વલ્લભજીભાઈ ડી શાહ `માનવમિત્ર' (મેરાઉ) તથા પ્રબોધ મુનવર (ભુજ)ને રાષ્ટ્રરત્ન એવોર્ડની જાહેરાત કરાઈ છે.
• અંજારમાં યુરોલોજીની ૨૦ દર્દીની નિઃશુલ્ક શત્રક્રિયા કરાઈઃ અંજારમાં પૂર્ણા નર્સિંગ હોમમાં પર્યુષણ પર્વ નિમિત્તે યોજાયેલા મફત યુરોલોજીક ઓપરેશન કેમ્પમાં ૨૦ દર્દીના નિ:શુલ્ક ઓપરેશન બીજી સપ્ટેમ્બરે હાથ ધરાયાં હતાં. આ કેમ્પમાં કિડનીના, પથરી તથા પ્રોસ્ટેટના દર્દીઓની ચકાસણી બાદ ઓપરેશન હાથ ધરાયા હતા. આ કેમ્પમાં મૂળ કચ્છના અને હાલમાં અમદાવાદ રહેતા ડો. હિમાંશુ શાહ દ્વારા નિ:શુલ્ક ઓપરેશન કરાયા હતા.