સૂ્ર્ય ઉર્જાના ઉપયોગથી નાના રણના અગરિયાઓની કાયાપલટ

Monday 01st February 2021 13:23 EST
 
 

પાટણઃ સાંતલપુર પાસે કચ્છના નાના રણમાં ચાલતા નમક ઉદ્યોગમાં ત્રણ વર્ષથી સોલાર પેનલ દ્વારા કાયાપલટ આવી છે. આ ઉદ્યોગના ૫૦૦ જેટલા અગરોમાં સોલાર લાઇટ પાવર સિસ્ટમનો ઉપયોગ થવા લાગ્યો છે જેથી હવે ડીઝલનો ખર્ચ ૯૦ ટકા જેટલો બચી ગયો છે. આથી એક ગણતરી પ્રમાણે પ્રત્યેક સિઝનમાં સરેરાશ સાડા સાત કરોડ રૂપિયાની બચત અગર માલિકોને થઈ રહી છે.
સાંતલપુરમાં અગરિયાઓએ જણાવ્યું કે, લગભગ ૫૦૦ જેટલા અગર અહીં ચાલે છે. પહેલા છ માસની એક સિઝનમાં ૧૮ બેરલ ડીઝલ બોર ચલાવવા માટે વપરાતું હતું. એક બેરલમાં ૨૦૦ લીટર ડીઝલ જાય જેમાં રૂ. ૮૦ એક લીટર ડીઝલના ભાવ પ્રમાણે દરેક અગર ધારકને લગભગ દોઢ લાખ રૂપિયા જેટલો ખર્ચ ડીઝલ પાછળ થતો હતો. જે હવે માત્ર રાત્રિના વપરાશ પૂરતો બે ત્રણ બેરલ થઈ રહ્યો છે. આ પ્રમાણે આશરે ૫૦૦ જેટલા સોલાર પંપમાં લગભગ ૭ કરોડ ૫૦ લાખ જેટલી બચત સૂર્ય ઉર્જાના કારણે થવા પામી છે. સોલાર ક્રાંતિ પછી અગર પણ વધી રહ્યા છે.
દસ હજારને રોજગારી
મીઠા ઉત્પાદકોના જણાવ્યા મુજબ સાંતલપુરમાં ૮૦ જેટલી ટ્રકો કારખાનામાંથી રેલવે સ્ટેશન સુધી મીઠાની હેરફેર કરી રહી છે. અલગ અલગ અગરો અને કારખાનાઓમાં ૧૦૦૦૦ જેટલા લોકો રોજગારી મેળવે છે. મહિપતસિંહ જાડેજાના જણાવ્યા મુજબ મોટાભાગના અગરમાં પાંચ કે સાત હોર્સપાવરની મોટર ચાલે છે અને તેમાં માત્ર ૨૦ ટકા જે તે અગરના માલિકે પ્લેટ નાખવા માટે કાઢવાના હોય છે.
૨૪ ડિગ્રીએ મીઠું પાકે
અગરમાં ૧૦૦ ફૂટ ઉંડાઇથી ૧૫ ડિગ્રી ખારું પાણી ઉલેચી કાચી કેનાલ દ્વારા એક ક્યારાથી બીજા ક્યારામાં આગળ વધતા તેની નમકની ઘનતા વધી જાય છે. જે ૨૪ ડિગ્રીની થઇ જાય તે મીઠું બનવા માટે પૂરતી હોય છે. લાઇનસર પ્લોટોમાં પથરાઇ ગયા પછી તે મીઠામાં ફેરવાય છે. જે કારખાનાઓમાં પ્રોસેસ બાદ ૫૦૦ ગ્રામ, કિલોના પેકેટ, ૫૦ કિલોની બેગમાં સીલ કરી દેવાય છે.
અન્ય રાજ્યોમાં નિકાસ
સાંતલપુરમાં ૬ કારખાના પણ મીઠાની પ્રોડકટ બનાવવાના આવેલા છે. જ્યારે વધુ બે નવા પ્રોસેસિંગ યુનિટ શરૂ થઈ રહ્યા છે. ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળમાં અહીંનું આખું મીઠું આજે પણ ખાવાના ઉપયોગમાં લેવાય છે.




to the free, weekly Gujarat Samachar email newsletter