મોઢેરાનું સૂર્યમંદિર સૌરઊર્જાથી ઝળહળી ઊઠ્યું છે. આ સાથે જ મોઢેરા ગામ પણ સોલાર ઊર્જાનો ઉપયોગ કરતું દેશનું પ્રથમ ગામ બની ગયું છે. પ્રોજેક્ટ અંતર્ગત મોઢેરાથી ૬ કિલોમીટર દૂર રૂ. ૬૯ કરોડના ખર્ચે સોલાર પ્રોજેક્ટ ઊભો કરાયો છે. આ પ્રોજેક્ટનું ઉદઘાટન લોકલાડીલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે ૧૭મી સપ્ટેમ્બરે તેમના હસ્તે કરાશે. આગવું ઐતિહાસિક મહત્ત્વ ધરાવતું મોઢેરાનું આ સૂર્યમંદિર પાટણના રાજવી ભીમદેવ સોલંકીએ ઇ.સ. ૧૦૨૬-૨૭માં બંધાવ્યું હતું, જે કર્કવૃત રેખા પર આવેલું છે. ભારતમાં આવેલા ત્રણ પૌરાણિક સૂર્યમંદિરમાં ઓડિશાના કોણાર્ક સૂર્યમંદિર, કાશ્મીરના માર્તંડ સૂર્યમંદિર અને ઉત્તર ગુજરાતમાં આવેલા મોઢેરા સૂર્યમંદિરનો સમાવેશ થાય છે.