મોડાસા: અરવલ્લી જિલ્લામાં એક અજીબ કિસ્સો સામે આવ્યો છે. સ્કૂલમાં ચોરી કરવાના ઈરાદે ઘૂસેલો ચોર સ્કૂલની ઓફિસમાં જ ઊંઘી ગયો હતો અને ૨૪મીએ વહેલી સવારે સ્કૂલમાં પહોંચેલા શાળાના સ્ટાફના હાથે ઝડપાઈ જતાં પોલીસને સોંપાયો હતો.
મેઘરજ તાલુકાના રેલ્લાવાડા ગામે આવેલી ગુરુકૃપા વિદ્યાલયમાં રાત્રે ચોરી કરવાના ઇરાદે ઓફિસના દરવાજાનું તાળું તોડી ઓફિસમાં ઘૂસેલા માણસે ઓફિસમાં તિજોરી અને કબાટમાં તોડફોડ કરી હતી, જે દરમિયાન કદાચ થાકી ગયો હોય તેમ કાનમાં ઈયરફોન લગાવી આરામ કરવા જતાં ઘસઘસાટ ઊંઘી ગયો હતો. જેની ઊંઘ સવાર સુધી ના ઉડતાં સવારે નિત્યકર્મ મુજબ શાળાએ પહોંચેલા સ્ટાફે ઓફિસમાં તોડફોડ થયેલી જોવાની સાથે કાનમાં ઈયરફોન લગાવી ગાઢ નિંદ્રામાં સૂતેલો ચોર જોતાં ચોંકી ઉઠ્યા હતા અને ઊંઘતા ચોરને પકડી લીધો હતો. આ અંગે સ્થાનિક પોલીસને જાણ કરતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચી ચોરને ઝડપી લઈ પ્રાથમિક તપાસ હાથ ધરી હતી. ચોરી કરનાર યુવકનો શાળા સ્ટાફ, સ્થાનિક પોલીસ અને ગ્રામજનો સાથેનો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં લોકોમાં યુવાન ચોરના કારનામા સામે ગુસ્સા સાથે રમૂજ પણ ફેલાઈ હતી.