પાલનપુરઃ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના અને ઓબીસી, એસસી, એસટી એકતા મંચના ઉપક્રમે બનાસકાંઠાના અંબાળામાં યોજાયેલા જનતા દરબાર કાર્યક્રમમાં અલ્પેશ ઠાકોરે બનાસ ડેરીમાં માત્ર ચૌધરીઓને નોકરી આપી જ્ઞાતિવાદ આચરવામાં આવતી હોવાનો આક્ષેપ કરતાં મંચ પર બેઠેલા ભાભર ઠાકોર સમાજના પ્રમુખ અને બનાસ ડેરીના ડિરેક્ટર કરસનજી ઠાકોર વચ્ચે સ્ટેજ પર જ શાબ્દિક ટપાટપી થતાં વાતાવરણ ઉગ્ર બન્યું હતું. છેવટે કરસનજી સ્ટેજ છોડી ગયા હતા. ભાભર જે મતવિસ્તારમાં આવે છે એ વાવ મતવિસ્તારના ભાજપના ધારાસભ્ય અને રાજ્યના શહેરીવિકાસ રાજ્ય પ્રધાન શંકર ચૌધરી આ જનતા દરબારમાં ઉપસ્થિત રહ્યા નહોતા. જોકે આ વિસ્તારની પ્રશ્નો ઉપસ્થિત કરીને તેમજ નહેરો-પૂર રાહત વગેરે માટે ભ્રષ્ટાચારના આક્ષેપો કરીને અલ્પેશ ઠાકોરે ચૌધરીને ૧૦૦માંથી ૩૪ માર્ક્સ આપી નાપાસ જાહેર કર્યા હતા.