પાલનપુર: ડીસાના તત્કાલીન પીએસઆઇએ ૨૬ વર્ષ પહેલાં રિજમેન્ટ વિસ્તારના એક યુવકની જીવતી વ્યક્તિના હત્યાના ગુનામાં અટકાયત કરીને, ઢોર માર મારીને, આરોપી બનાવીને જેલમાં પૂરી દીધો હતો. જોકે પછીથી જેની હત્યામાં યુવકની અટકાયત કરાઈ હતી તે માણસ જીવતો પોલીસ સમક્ષ હાજર થતાં નિર્દોષ યુવકે પીએસઆઇ સામે ફરિયાદ કરી હતી. આ કેસમાં ડીસા કોર્ટે પીએસઆઇને છ મહિનાની સજા અને રૂ. ૭૫,૦૦૦નો દંડ ફટકાર્યો છે. ડીસાના રિજમેન્ટમાં રહેતા ૪૮ વર્ષીય જેંતીભાઈ રાણા ૨૨ વર્ષના હતા ત્યારે ફેબ્રુઆરી, ૧૯૯૨માં ડીસા શહેર પોલીસ મથકમાં પીઆઇ તરીકે ફરજ બજાવતા એન. જી. ધરાજીયાએ જેંતીભાઈની અમદાવાદના રામસિંહ યાદવની હત્યાના ગુના મામલે અટકાયત કરી હતી. જેંતીભાઈને અઠવાડિયા સુધી ઢોર માર મારીને, ગુનાની ફરજિયાતપણે દબાણથી કબુલાત કરાવી હતી. જેંતીભાઈ આજીજી કરતા રહ્યા હતા, કગરતા રહ્યા હતા કે તેઓ નિર્દોષ છે, પણ પોલીસે તેમની એક પણ વાત સાંભળી કે માની જ ન હતી.