ગાંધીનગર: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મારુતિ સુઝુકી મોટર્સના ભારતમાં આગમનના 40 વર્ષની ઉજવણી નિમિત્તે રવિવારે સાંજે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં કંપનીના ગુજરાતમાં માંડલ તાલુકાના હાંસલપુર ખાતે રૂ. 7300 કરોડના મૂડીરોકાણથી સાકાર થનારા ઈલેક્ટ્રિકલ વ્હીકલ (ઇવી) બેટરી બનાવવાના નવા પ્લાન્ટનું ખાતમુહૂર્ત કર્યું હતું સાથે સાથે જ તેમણે હરિયાણામાં 800 એકર જમીન ઉપર વર્ષે 10 લાખ નવા પેસેન્જર વાહનોના ઉત્પાદનનો પ્લાન્ટ ખુલ્લો મૂક્યો હતો.
હાંસોલમાં હાલમાં કાર્યરત કાર પ્રોડક્શન પ્લાન્ટ પ્લાન્ટ નજીક સાકાર થઇ રહેલો બેટરી પ્લાન્ટ 2026 સુધીમાં કાર્યરત થઇ જશે. વડા પ્રધાને તેમના 20 મિનિટના સંબોધનમાં ઇલેક્ટ્રિક વાહનોના બજાર ઉપર, જાપાન અને ગુજરાતના બિઝનેસ સંબંધો ઉપર વિશેષ ભાર મૂકતાં જણાવ્યું હતું કે, ભારતમાં ઇલેક્ટ્રિક વાહનો ઇવીનું બજાર વધી રહ્યું છે. અવાજ કર્યા વિના ચાલતા આ વાહનોના સાઇલન્ટ રિવોલ્યુશનની શરૂઆત થઈ ચૂકી છે. આ સાઇલન્ટ રિવોલ્યૂશન આવતા દિવસોમાં વાહનોના ક્ષેત્રે મોટું પરિવર્તન લાવનારું છે કેમ કે ભારતે કોપ-26માં જાહેરાત કરેલી છે કે, તે 2030 સુધીમાં કુલ ઊર્જાની 50 ટકા ઊર્જા બિનપરંપરાગત સાધનો દ્વારા પેદા કરશે. વડા પ્રધાને આ પ્રસંગે દેશની બીજી કંપનીઓની માફક કોમ્પ્રેસ્ડ બાયોમિથેન ગેસ - સીબીજી પ્રોજેક્ટ ઉપર પણ ધ્યાન કેન્દ્રિત કરવા મારુતિ-સુઝુકીને સૂચન કર્યું હતું.
ગુજરાતમાં 125 જાપાનીઝ કંપની
વડા પ્રધાને મારુત-સુઝુકીના પ્રમોટરોને ગુજરાત સાથેના સંબંધ અંગે જૂની યાદો તાજી કરતા જણાવ્યું હતું કે, 13 વર્ષ પહેલાં ગુજરાતમાં આ કંપની કાર ઉત્પાદન માટે આવી ત્યારે એને કહેલું કે, ગુજરાતમાં રહીને જેમ જેમ અહીંનું પાણી પીશે તેમ તેમ વિકાસનું પરફેક્ટ મોડેલ ક્યાં છે તે વિશે તેને ખ્યાલ આવશે. આજે ગુજરાતે તેનો વાયદો નિભાવ્યો છે તે કંપની સન્માન સાથે યાદ કરે છે. ગુજરાત અને જાપાનના સંબંધો રાજદ્વારી કરતાંય ઘણા ઊંચા છે. ગુજરાતમાં મિનિ જાપાન ઊભું કરવા માટેય પ્રયાસો કરાયા છે, જેને કારણે આજે રાજ્યમાં ગોલ્ફના ઘણા મેદાનો અસ્તિત્વમાં આવ્યા છે અને ગુજરાત-મહારાષ્ટ્રમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટથી માંડીને 125 જેટલી જાપાની કંપનીઓ આજે ગુજરાતમાં કાર્યરત છે.
સુઝુકીનું 60 ટકા ઉત્પાદન ભારતમાંઃ પ્રેસિડેન્ટ સુઝુકી
સુઝુકી મોટર્સ જાપાનના પ્રેસિડેન્ટ તોશીહીરો સુઝુકીએ ગૌરવભેર જણાવ્યું હતું કે, ભારતમાં 40 વર્ષ દરમિયાન સુઝુકી મોટર્સનું સ્થાન વિશ્વમાં ચોથા નંબરની કાર કંપની તરીકે ઊભર્યું છે. ગુજરાતમાં જે પ્લાન્ટ છે તેની વાર્ષિક ક્ષમતા 7.5 લાખ કાર ઉત્પાદનની છે. ગયા વર્ષે સુઝુકી જૂથે વિશ્વમાં 28 લાખ વાહનોનું ઉત્પાદન કર્યું હતું. જેમાંથી 60 ટકા ઉત્પાદન ભારતમાં થયું હતું.
રાજ્યમાં કુલ રૂ. 16 હજાર કરોડનું રોકાણઃ મુખ્યમંત્રી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે 2012માં ગુજરાતમાં માંડલ બેચરાજી ખાતે મારુત સુઝુકીએ કાર ઉત્પાદનનો પ્લાન્ટ નાખ્યો, ત્યારથી માંડીને અત્યાર સુધીમાં કંપનીએ ગુજરાતમાં આશરે રૂ. 16,000 કરોડનું એકત્રિત રોકાણ કર્યું છે. સાથે સાથે જ રાજ્ય સરકારે ઇવી પોલિસી જાહેર કર્યા બાદ આ ક્ષેત્રમાં પણ કંપનીએ રૂ. 10,000 કરોડનું રોકાણ કરવા વાયદો કરેલો છે. એમણે મારુતિ સુઝુકી કંપની સાથે રાજ્યમાં બે નવા બાયોગેસ પ્લાન્સ સ્થાપવા માટે રવિવારે એનડીડીબી અને કંપની વચ્ચે થયેલા સમજૂતી કરારનો પણ ઉલ્લેખ કર્યો હતો.