અરવલ્લી: જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે નં-૮નું રિનોવેશન થઈ રહ્યું છે. આ હાઈવે પહેલા ફોરલેન હતો તેને અપડેટ કરીને સિક્સ લેન બનવા જઈ રહ્યો છે. આ માર્ગ ઉપર રાત દિવસ કામ ચાલી રહ્યા છે. ભિલોડા તાલુકાના રંગપુર સીમમાંથી પસાર થતો આ હાઈવે ક્રોસ કરીને ગામના ધો-૧ થી ૮ના વિદ્યાર્થીઓને પસાર થવું પડે છે જે ખૂબ જ જોખમી છે. ત્યારે આ માર્ગ ઉપર રંગપુર ગામની સીમમાં ઓવરબ્રિજ કે અંડરબ્રિજ બનાવવામાં આવે તેવી માગ સાથે ગ્રામજનોએ અરવલ્લી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. નેશનલ હાઈવે ઓથોરિટી તંત્રમાં પણ વારંવાર રજૂઆત કરવા છતાં આંખ આડે કાન કરાતા ગ્રામજનોએ શાળાને તાળાબંધી કરી બાળકો સાથે હાઈવે નં. ૮ પર ૩૧મી જાન્યુઆરીએ ચક્કાજામ કર્યો હતો. સ્થાનિક પશુપાલકોએ દૂધ ઢોળીને વિરોધ નોંધાવ્યો હતો.