વડોદરાઃ હિંમતનગરના ૩૧ વર્ષીય મેહુલ જોશી માઉન્ટ એવરેસ્ટ સર કરનારા પહેલા ગુજરાતી બન્યા છે. ૧૬મી મેએ સવારે ૪.૩૦ વાગે મેહુલે એવરેસ્ટની ૮૮૪૮ મીટરની ઊંચાઈ સર કરી છે. નવાઈની વાત એ છે કે વર્ષો પહેલાં મેહુલને સ્કૂલમાં એવરેસ્ટ અંગે સવાલ પુછાયો હતો. તેનો જવાબ ન આવડતાં તેમને એવરેસ્ટ સર કરવાની પ્રેરણા મળી હતી.
ટ્રેકિંગ કેમ્પના આયોજક કમલેશ અને શેખરે જણાવ્યું કે, મેહુલ અને અન્ય સાહસિકોએ બેઝકેમ્પ પરથી વાતચીત કરી હતી. તેઓ ટૂંક સમયમાં જ નેપાળથી ભારત પહોંચશે. હિંમતનગરમાં મેહુલની સિદ્ધિની ખબર પડતાં ૧૬મી મેએ ફટાકડા ફોડવામાં આવ્યા હતા.
૬ એપ્રિલે દેશના ૩૬ લોકોની શરૂ થયેલી માઉન્ટ એવરેસ્ટ સમિટમાંના ૧૧ લોકોએ ૧૬ મેએ એવરેસ્ટની ઊંચાઈ સર કરી છે. દવાઓનો વેપાર કરતો મેહુલ અગાઉ ડાયાબીટિસ, ડિપ્રેશન અને હાઈ બીપીથી પીડાતો હતો. મેહુલના પિતા પ્રવીણ જોશીએ જણાવ્યું કે, અમે બેંક લોન અને લોકો પાસેથી પૈસા ઉછીના લઈને દીકરાને એવરેસ્ટ મોકલ્યો હતો. દીકરાએ એવરેસ્ટ સર કર્યો તેની ખબર પડી ત્યારે ખુશીના આંસુ આંખમાંથી રોકાતાં નહોતાં.