પાલનપુર: દર શિયાળામાં હજારો માઇલનું અંતર કાપી જુદા-જુદા દેશમાંથી યાયાવર પક્ષીઓનું કચ્છ અને નડાબેટમાં આગમન થાય છે. હિમાલયના રાજહંસ કહેવાતા બાર હેડેડ ગીઝ પક્ષીનું આ વર્ષે મોટી સંખ્યામાં જિલ્લામાં આગમન થયું છે. ચાલુ વર્ષે મેઘમહેરને કારણે પૂરતું પાણી, અનુકૂળ વાતાવરણ, ખારા-મીઠા પાણીના તલાવડાના કારણે વિવિધ પ્રજાતિના યાયાવર પક્ષીઓ નડાબેટના અફાટ રણ વિસ્તારના મહેમાન બન્યાં છે.
પક્ષીઓને અનૂકૂળ વાતાવરણ અને વેટલેન્ડ જેવા વિસ્તારોના કારણે વિવિધ પ્રકારના અને અલગ અલગ વૈવિધ્ય ધરાવતા યાયાવર પક્ષીઓ આ વિસ્તારના મહેમાન બન્યા છે. ચાલુ વર્ષે બાર હેડડ ગીઝ પક્ષીનું આગમન થયાનું વન વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું. વન્ય જીવ અભ્યાસુ ડો. મયંક શાહે જણાવ્યું કે, લદાખમાં બ્રીડિંગ કરતું આ પક્ષી હિમાલયના રાજહંસ તરીકે પ્રચલિત છે.
નડાબેટમાં વિદેશી પક્ષીઓ મહેમાન
આ વર્ષે બાર હેડડ ગીઝ, ગ્રેલેગ ગીઝ, ગ્રેટ ક્રેસ્ટેડ ગ્રીપ, સોવેલર્સ, કોમનટીલ, લીટલ ગ્રીપ, પીંક ટેલ, પેલીકન, વિઝિયન, મલાડ, ગઢવાલ, સ્પોટબીલ, કોમડક, લેઝર વિંઝલિંગ, કોમન પોચાર્ડ, કુટ પરપલ સ્વેમ હેન, ગ્રેટ ક્રેસ્ટેડ ગ્રીન, કોમન કુટ, લીટલ ગ્રીપ, સ્પોટ બીલ ડક, કમ ડક, ફ્રેઝન ટેલ ઝકાના પક્ષીઓ જોવા મળી રહ્યા છે.