પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક ગણાતા પાલનપુરને સુરતના હીરા ઉદ્યોગ સાથે સીધો સંબંધ છે. અત્યારે હીરા બજારની મંદીની અસર પણ પાલનપુરના હીરા ઉદ્યોગ પર પડી છે. પાલનપુર અને તેની આસપાસના વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોમાં મંદીને કારણે અંદાજે આઠ હજારથી વધુ રત્નકલાકારો બેકાર બન્યા હોવાનું જાણવા મળે છે. સુરત અને મુંબઈના વેપારીઓ દ્વારા કાચા હીરા તૈયાર કરવા મોકલવામાં અવરોધ આવતાં પાલનપુરના રત્નકલાકારો બેકાર બની ગયા છે. બનાસકાંઠામાં અંદાજે ત્રણ હજારથી વધુ હીરાના કારખાના આવેલા છે. જેમાં એક લાખથી વધુ રત્નકલાકારો રોજગારી મેળવે છે. આ કારખાનાઓમાં સુરત-મુંબઇના વેપારીઓના હીરાનું જોબવર્ક થઇ રહ્યું છે. જેના દ્વારા દરરોજ રૂ. દોઢથી ત્રણ કરોડનું ટર્નઓવર થાય છે. છેલ્લા કેટલાક સમયથી વૈશ્ર્વિક બજારમાં તૈયાર હીરાની માંગ ઘટતા તેના ભાવમાં ઘટાડો થયો છે. જેથી બહારના વેપારીઓ કાચા હીરા તૈયાર કરવા મોકલતા નથી. આથી ૫૦ ટકા હીરાના કારખાના બંધ થઇ જતા રત્નકલાકારો બેકાર બન્યા છે.
સ્થાનિક હીરા ઉદ્યોગના સૂત્રો કહે છે કે, હીરાની ખરીદ શક્તિ ઘટી રહી છે. અધૂરામાં પૂરું સિન્થેટિક હીરા પણ આવ્યા છે. જ્યારે કેટલાક રત્નકલાકારોએ જણાવ્યું હતું કે, વેપારીઓ દ્વારા કટિંગ હાર્ડ કરવામાં આવ્યું છે અને મજૂરી ઘટાડવામાં આવી છે જેથી તેમને આર્થિક નુકસાન થઇ રહ્યું છે.