ગાંધીનગરઃ હોંગકોંગની યુવતી પેટી અને માણસા તાલુકાના ભીમપુરા ગામના યુવાન રવિએ હિન્દુશાસ્ત્રોક્ત વિધિથી ૨૫મી નવેમ્બરે પ્રભુતામાં પગલા પાડ્યા. પેટી અને રવિ યુએસમાં રહે છે અને પાંચ વર્ષથી બંને વચ્ચે પ્રેમસંબંધ છે. ભીમપુરા પાસેના એક રિસોર્ટમાં ૨૫મી નવેમ્બરે પેટી અને રવિના ધામધૂમથી લગ્ન થયા. પેટી તેના પરિવાર, બે ત્રણ મિત્રો સાથે લગ્ન માટે ઇન્ડિયા આવી હતી. રવિ અને પેટી પ્રથમ વખત પાંચ વર્ષ પૂર્વે મળ્યા હતા. કોલેજનો એક મ્યુઝિકલ પ્રોગ્રામ બંનેના મિલન માટે માધ્યમ બન્યો હતો. સમય જતાં સંબંધ ગાઢ બન્યો હતો. બંનેએ લગ્ન કરવાનો વિચાર કર્યો. રવિએ હિન્દુશાસ્ત્રોક્ત વિધિથી ઇન્ડિયામાં લગ્ન કરવાનો પ્રસ્તાવ પેટી સામે મૂક્યો. પેટીએ આ પ્રસ્તાવ સ્વીકારી લીધો. બંનેના માતા પિતાને જાણ કરવામાં આવી. બંને પક્ષ સંમત થયા. આખરે ૨૫મી નવેમ્બર દિવસ નક્કી થયો. પેટી અને રવિ અમેરિકાથી ઇન્ડિયા આવ્યા અને લગ્નબંધનથી જોડાઈ ગયા.