અમદાવાદઃ પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના દાતકરોડી ગામના ૧૨૦ પાટીદાર પરિવારો સમૂહમાં દિવાળી ઉજવે છે. નવાઇની વાત તો એ છે કે એક કે બે ટાઇમ નહીં પરંતુ કાળી ચૌદસથી માંડીને ભાઇ બીજ સુધી એક પણ પરિવાર પોતાના ઘરે રસોઇ બનાવતો નથી. ચૌદસથી રાત્રિભોજન બાદ સહુ ફટાકડા ફોડે છે અને બાળકોને ભુલાતી જતી દેશી રમતો પણ રમાડાય છે.
ગામના અગ્રણી જયંતિભાઇ પટેલ કહે છે કે ગામમાં મોટાભાગના પાટીદાર પરિવારો ગામની બહાર રહે છે. તે પરિવારના સભ્યો એકબીજાને ઓળખે અને સામૂહિક પરિચય કેળવે તે હેતુથી સમૂહ દિવાળીનું આયોજન થાય છે. પહેલાં દિવાળીના પ્રસંગે અમુક જ પરિવારો ગામમાં આવતા, પરંતુ સમૂહમાં દિવાળીની ઉજવણી કર્યા પછી મોટાભાગના બહારગામ રહેતા પરિવારના લોકો ગામમાં દિવાળી કરે છે. આ ઉપરાંત અમેરિકા, કેન્યા અને લંડનમાં રહેતા કેટલાક પરિવારો ગામમાં દિવાળી માણવા આવે છે.
ગામમાં ચાર દિવસ સુધી મંડપ શણગાર અને જમણવારના ભવ્ય આયોજન થાય છે. બેસતા વર્ષના દિવસે પાટીદારો પરંપરાગત પાઘડી પહેરીને એકબીજાને નવા વર્ષની શુભકામના પાઠવે છે.
દાતકરોડી ગામના અનિલભાઇ પટેલના જણાવ્યા અનુસાર, ૧૫ ગામ કડવા પાટીદારો દ્વારા દર વર્ષે ગ્રામ વિકાસ માટેની ચર્ચા કરી એક કામ હાથ પર લેવામાં આવે છે. આ વર્ષે ગામનો નવો ગેટ તૈયાર કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમૂહ દિવાળી ઉજવણીનો ખર્ચ સંપ અને સહકારથી એક બે માણસો દર વર્ષે સામે ચાલીને ઉપાડી લે છે.