પાલનપુર: સરસ્વતી તાલુકાના બાલવા ગામે ૧૪ વર્ષ પહેલાં જેણે આત્મહત્યા કરી હોવાનું લોકો માનતા હતા તે મહિલા ભીખીબહેન મહેસાણામાં પ્રેમી સાથે તાજેતરમાં જીવતાં મળી આવ્યાં છે! પ્રેમી સાથે રહેવા આ મહિલા તેના પિયર કાંકરેજના ખીમાણા ગામની એક માનસિક રીતે અસ્થિર મહિલાને જીપમાં ગોંધીને બાલવા ગામ લઈ આવી હતી. એ પછી પ્રેમીના બે મિત્રોની સાથે મળીને ભીખીબહેને તેની હત્યા કરી હતી અને તેના મૃતદેહને કેરોસીન છાંટી સળગાવી દીધો હતો.
ભીખીબહેને માનસિક અસ્થિર મહિલાની હત્યા કર્યા પછી ઓળખ છુપાવીને પ્રેમી સાથે મહેસાણામાં રહેવાનું શરૂ કર્યું હતું. જોકે, આ ઘટનાના ૧૪ વર્ષ પછી ભીખીબહેનના જેઠને તેમના ભાઇની પત્ની જીવતી હોવાનું અને મહેસાણામાં રહેતી હોવાનું જાણવા મળ્યું. એ પછી ભીખીબહેનના સાસરિયાએ પાટણ અને પાલનપુર પોલીસમાં અરજી કરી હતી. અરજીના આધારે પાલનપુર પોલીસે તપાસ કરતાં આ મર્ડર મિસ્ટ્રી ઉકેલાઈ હતી. પોલીસે નિર્દોષ મહિલાની હત્યાના ગુનામાં ભીખીબહેન પંચાલ ઉર્ફે ભાવના રાઠોડ, તેના પ્રેમી વિજુભા મણાજી રાઠોડ, પ્રેમીના બે મિત્રો ઝેણાજી ઉમેદજી ઠાકોર અને વખતસિંહ દેવચંદજી ઠાકોરની તાજેતરમાં ધરપકડ કરી હતી.
સરસ્વતી તાલુકાના બાલવા ગામના પ્રકાશ અમરતભાઇ પંચાલના લગ્ન ૧૭ વર્ષ પહેલાં કાંકરેજના ખિમાણા ગામની ભીખીબેન પંચાલ સાથે થયાં હતાં. ત્રણેક વર્ષના લગ્નજીવનમાં તેમને એક દીકરો પણ હતો. ભીખીબહેનને ડીસા તાલુકાના મુડેઠા ગામના વિજુભા મણાજી રાઠોડ સાથે પ્રેમસંબંધ હોવાથી તેની સાથે જીવવા ભીખીબહેને આ પગલાં ભર્યાં હતાં.