ડીસાઃ થરાદ રોડ પરના લાખણી ગામમાં મુસ્લિમોના ૧૫૦ પરિવારોએ બકરાની કુરબાની આપ્યા વિના સાદું ભોજન આરોગીને ઈદ મનાવી હતી.
લાખણીના ઝાકિરભાઇ મેમણ કહે છે કે, આ વર્ષે મુસ્લિમ બિરાદરો જીવહિંસાથી દૂર રહ્યા હતા. એવું પહેલીવાર બન્યું છે. જોકે અમે હવે જીવહિંસાથી દૂર જ રહીશું. ઝાકિરભાઈ કહે છે કે, લાખણીમાં ૧૫થી ૨૦ જૈન પરિવાર છે. તેમના ઉપાશ્રયની નજીક મેમણોની વસાહત છે. આ વર્ષે ઉપાશ્રયમાં બે સાધ્વી મહારાજ ચાતુર્માસ ગાળી રહ્યા હોવાથી જૈન આગેવાનોની જીવહિંસા નહીં કરવાની વિનંતી હતી. તેને માન આપીને ગામમાં બકરીની કુરબાની આપ્યા વિના જ તહેવાર ઉજવ્યો હતો.
ગામના અન્ય મુસ્લિમોના જણાવ્યા મુજબ અમે અમારા ધર્મ મુજબ હજ, રોજા, જકાત અને નમાઝનું ચુસ્ત રીતે પાલન કરીએ છીએ, પરંતુ બકરી ઇદમાં જીવહિંસા થાય તેનાથી જો બીજાની લાગણી દુભાતી હોવાથી ઇદ ઉજવવી ન હતી.
ગામના લોકો કહે છે કે, એક જૈન યુવક સુરેશભાઇને ગામના મુસ્લિમ મિત્રો સાથે સારા સંબંધો હતા. આથી સુરેશભાઇએ બકરી ઇદના અગાઉના દિવસે મુસ્લિમ બિરાદરોને જીવહિંસાથી અમારી લાગણી દુભાતી હોવાથી ઇદના તહેવારમાં જીવહિંસા નહીં કરવાની વિનંતી કરી હતી.
આ અંગે ગામના મુસ્લિમ આગેવાન ઝાકિરભાઇએ સમાજના લોકોને એકઠા કરીને સમજાવતા છેવટે સૌએ જીવહિંસાથી દૂર રહેવાની ખાતરી આપી હતી. આથી બીજા દિવસે નકકી થયા મુજબ બકરી ઇદની નમાઝ પૂરી થઇ પરંતુ કુરબાનીનો કાર્યક્રમ થયો નહોતો.