ગાંધીનગરઃ વર્ષ ૨૦૧૭માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી છેલ્લા ત્રણ માસમાં ગુજરાતની છ મુલાકાત લઈ ચૂક્યા છે. બીજી તરફ, ગુજરાત કોંગ્રેસ દ્વારા પણ વિધાનસભાની ચૂંટણીની જોરશોરથી તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ૨૧મી ડિસેમ્બરે મહેસાણામાં કોંગ્રેસની વિશાળ રેલીને સંબોધશે. આ રેલી માટે પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ ભરત સોલંકીએ કહ્યું હતું કે, રાજ્યના ગાંધીનગર, મહેસાણા, પાટણ, સાબરકાંઠા અને બનાસકાંઠાના કોંગ્રેસી કાર્યકરોએ અત્યારથી આ રેલીની તૈયારીઓ શરૂ કરી દીધી છે.