હિંમતનગરઃ હિંમતનગર રહેતા અને મહેસાણા જિલ્લાના વસઈ પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી ચંદ્રેશ નાયક ૨૦મી એપ્રિલે ૧૧ વાગ્યાની આસપાસ પરિવાર સાથે ટેલિફોનમાં વાતચીત કરી રહ્યા હતા. વાતચીત ચાલુ હતી ત્યારે જ ચાલુ ફોનમાં તેમની ૫ વર્ષની પુત્રીએ કહ્યું કે, ‘પપ્પા, મમ્મીએ ગોળી મારી દીધી, મમ્મી તો મરી ગઈ’. ચંદ્રેશભાઈ એક આરોપીને દિલ્હીથી લઈને આવ્યા હતા અને કોર્ટમાં રજૂ કરવા નીકળ્યા હતા.
ચંદ્રેશનાં પત્ની ગીતાબહેન હિંમતનગર તાલુકાના ઇલોલની આશ્રમ શાળામાં શિક્ષિકા હતાં. ઓફિસના કામને લઈને ચંદ્રેશભાઇનો ફોન બિઝી રહેતાં ગીતાબહેનને સતત બિઝી ટોન મળી રહ્યો હતો.
ચંદ્રેશભાઈએ જ્યારે ગીતાબહેનને ફોન કર્યો ત્યારે ગીતાબહેનની ધીરજનો અંત આવી ગયો હતો અને તેમણે કહ્યું હતું કે ‘તમે બીજી સ્ત્રીઓનો મોહ છોડી શકતા નથી, તમને હું નડું છું.’ ચંદ્રેશભાઈ સમજાવવાનો પ્રયાસ કરે કે ફોન ઓફિસના કામથી વ્યસ્ત હતો તે દરમિયાન ગીતાબહેને દીકરી ગટુને ફોન આપી દીધો હતો. તેમણે દીકરીને મમ્મીની સાથે રહેવા તથા હું આવું જ છું તેમ કહેતાં ગટુએ કહ્યું કે, ‘પપ્પા, મમ્મીએ ગોળી મારી દીધી, મમ્મી મરી ગઈ છે.’ ઘટનાને પગલે ચંદ્રેશભાઈ હિંમતનગર દોડી આવ્યા હતા અને સાબરકાંઠા સુપરીટેન્ડેન્ટ સહિતનો કાફલો તેમના ઘરે પહોંચ્યો હતો.
ગીતાબહેનના ભાઈ જવાહરજી વણઝારાએ ચંદ્રેશ નાયક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેમાં ચંદ્રેશભાઈને પરસ્ત્રી સાથે આડા સબંધ હોઈ બહેને મરવા સુધીનું પગલું ભર્યાની ફરિયાદ સહિતના આક્ષેપો હતા.