અમદાવાદ: સાબરકાંઠાના પોશીના ગામમાં વર્ષોથી લિવ-ઇન રિલેશનશિપમાં રહેતા દાદા અને દાદીના તાજેતરમાં લગ્ન થયાં છે. આ લગ્નમાં દીકરા, દીકરી, પૌત્રો અને પૌત્રીઓ પણ જાનમાં જોડાયા અને નાચ્યાં હતાં.
જેઠાભાઈ સેનવા અને રેવીબહેન ૫૪ વર્ષથી લિવ-ઇન રિલેશનમાં રહેતા હતા. તેમનાં પરિવારમાં નવ દીકરા, દીકરી, ૨૧ પૌત્ર, પૌત્રીઓ છે. પરિવારના આ સભ્યોની હાજરીમાં જેઠાભાઈ અને રેવીબહેન તાજેતરમાં કાયદેસર રીતે પતિ-પત્ની બન્યાં હતાં. નવાઈની વાત એ છે કે એમના નવ દીકરા-દીકરીએ કાયદેસરના લગ્ન કર્યાં છે, પણ જેઠાભાઈ અને રેવીબહેનનાં કાયદેસરનાં લગ્ન થયા નહોતા.
જેઠાભાઈના જ્ઞાતિ સમાજના રિવાજ પ્રમાણે લગ્ન માટે રેવીબહેનના પિતાને રૂ. ૩૦૦૦ જમા કરાવી શકે તેમ નહોતા. તેથી જેઠાભાઈ અને રેવીબહેનનાં લગ્ન થયાં નહોતાં.
અનોખી પ્રથા
સાબરકાંઠાના આદિવાસી વિસ્તારમાં જૂન મહિનાની શરૂઆતમાં ચિત્ર વિચિત્રનો મેળો ભરાય છે. આ મેળામાં જે છોકરાને જે છોકરી ગમતી હોય એની સામે કંઈક મીઠું ખાવાનો પ્રસ્તાવ મૂકે અને છોકરી એ પણ ખાઈ લે એનો અર્થ એ કે છોકરીને પણ છોકરો પસંદ છે. એ પછી બંને મેળામાંથી ભાગી જાય અને ત્યારબાદ એમના લગ્ન નક્કી ગણાય. જોકે છોકરો દીકરીને સુખી રાખી શકશે કે નહીં એ જોવા પંચાયતની હાજરીમાં છોકરાએ પંચાયત નક્કી કરે એટલા પૈસા છોકરીના બાપને આપવા પડે. પછી જ લગ્ન નક્કી કરાય. જો છોકરો પૈસા ના આપી શકે તો લગ્ન પણ ન કરી શકે. જેઠાભાઈએ ૫૪ વર્ષ પહેલાં રેવીબહેનને પસંદ કર્યાં હતાં, પણ રૂ. ૩૦૦૦ રેવીબહેનના પિતાને જમા કરાવી શક્યા નહોતા એટલે રેવીબહેન અને જેઠાભાઈ ગામ છોડી ભાગી ગયા હતા. તેમણે પરણ્યા વગર જ સંસાર વસાવ્યો અને અંતે પરિવારની હાજરીમાં તાજેતરમાં લગ્ન કર્યાં હતાં.